ગ્રા. પંચાયત ચૂંટણીએ પચ્છમમાં સર્જ્યો વિધાનસભા જેવો માહોલ

નાના દિનારા (તા. ભુજ), તા. 26 : ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ગ્રામ્ય વિસ્તારના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભુજના સરહદી પચ્છમ વિસ્તારના ગામોમાં પણ તારીખો જાહેર થતાંની સાથે જ ચૂંટણીલક્ષી સળવળાટ શરૂ થઇ ગયો છે. આ વિસ્તારમાં ગ્રામ પંચાયતના ચૂંટણી જંગે વિધાનસભા ચૂંટણી જેવો માહોલ સર્જી દીધો છે.પચ્છમ વિસ્તારના જુણા, જામકુનરિયા, ધોરાવર, રતડિયા, ખાવડા, બુડિયા, ધ્રોબાણા, કોટડા (ખાવડા) સહિતના  ગામોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.આ ચૂંટણી રાજકીય પક્ષના બેનર તળે ન લડાતી હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે પોતા સમર્થિત કાર્યકરોને ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યપદે બેસાડવા એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. હજુ તો ગ્રામ પંચાયત ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા 29 નવે.થી શરૂ થશે પણ વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો હોય તેમ એકતરફ જૂના જોગીઓ ફરી સક્રિય બની ચૂંટણીમાં ઉતરવા સજ્જ થયા છે. તો બીજી તરફ યુવાનોએ પણ ગ્રામ્ય ચૂંટણી જંગમાં ઝંપલાવવાની તૈયારી આદરી છે. તો મહત્તમ ગ્રામ પંચાયતો સમરસ બને તે દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે. જો અને તોના માહોલ વચ્ચે કોનું નશીબ ઉઘડે છે અને કોને હાર ખમવાનો વારો આવશે તે તો આવનારો સમય બતાવશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer