ભુજ સુધરાઇના મહેકમ મુજબ 10 ટકા કાપ મૂકવા વિચારણા

ભુજ, તા. 26 : શહેર સુધરાઇની આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ભુજના વિકાસકામોની સાથો-સાથ કચેરીની તિજોરીને લાભ મળે તે રીતના નિર્ણયો લેવાયા હતા.આ અંગે કારોબારી ચેરમેન જગત વ્યાસનો સંપક સાધતાં જણાવ્યું કે, વોટર સપ્લાય શાખા સહિતનાં કામોનાં ટેન્ડરમાં સુધરાઇ કચેરીને આર્થિક ફાયદો થાય તે માટે ઓછા ભાવ ભરનારને પ્રાથમિકતા અપાશે. સાથોસાથ કોઇ પણ વસ્તુની બજાર કિંમતને પણ ધ્યાને રાખી કોઇ મોનોપોલી નહીં ચાલવા દેવાય. ઉપરાંત કચેરીના મહેકમને ધ્યાને લઇ અંદાજે દશેક ટકા સ્ટાફ ઘટાડવા પણ ચર્ચા કરાઇ હતી. વધુમાં અમુક કર્મીઓ વર્ષોથી એક જ સ્થાને બેઠા છે તેમને અન્ય શાખાનો અનુભવ મળે તે માટે બદલી પણ કરાશે.છેલ્લા કેટલાક સમયથી અટકેલા પડેલા સફાઇ કોન્ટ્રાક્ટ મુદ્દે શ્રી વ્યાસે જણાવ્યું કે, અગાઉ? કોન્ટ્રાકટના ભાવ મંજૂર કરાયા હતા પરંતુ  તેમણે ભાવ ભરવામાં ભૂલ થઇ હોવાથી અને કામ કરવા સક્ષમ ન હોવાનું જણાવતાં તેમનું ટેન્ડર રદ કરી ડિપોઝિટ જપ્ત કરી આગામી દિવસોમાં ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેમ ઉમેર્યું હતું. કચેરીને વારંવાર બાનમાં લેતા ગટર શાખાના કર્મીઓ અંગે પણ ચર્ચા કરાઇ હતી. બેઠકમાં અશોક પટેલ, કિરણ ગોરી, ધીરેન શાહ, રશ્મિબેન સોલંકી, ધર્મેશ ગોર હાજર રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer