22 વર્ષ જુનાં પેટના દર્દ માટે મનોચિકિત્સા સારવાર પ્રભાવી

ભુજ, તા. 26 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ગેસ, એસિડના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ દર્દ ઉપર મનોચિકિત્સા અક્સીર બની હતી. હોસ્પિટલના મનોચિકિત્સક અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશ ટીલવાણીએ હોસ્પિટલની યાદીમાં જણાવ્યું છે કે,અંજારના રિયાસત અલી (ઉ.વ.50) છેલ્લા 22 વર્ષથી પેટમાં ગેસના દર્દથી પીડિત હતા.બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, ભુજ સહિત અનેક જગ્યાએ સારવાર લીધી. એન્ડોસ્કોપી પણ કરાવ્યું હતું. ગેસ અને એસિડનું શમન કોઇપણ રીતે થતું નહોતું, તેના સદ્નસીબે કોઇ તબીબે તેને મનોચિકિત્સાની ભલામણ કરી.આ રેફરન્સના પગલે રિયાસત અલી જી. કે.ના આ વિભાગમાં આવ્યા ત્યારે તેના દર્દનો, સ્વભાવનો, માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરી તેની સારવાર શરૂ કરી. જેમ તાવની દવા તાવ ઉતારે છે તેમ માનસિક રોગની દવા મગજની અસ્થિરતાને સ્થિર કરે છે. એ બાબતને ધ્યાનમાં લઇને તેના મનોબળને મજબૂત કરતી સારવાર શરૂ કરી. દર્દીને છેવટે 1 વર્ષે સંપૂર્ણ રાહત મળી. દર્દી જ્યારે આવી પરિસ્થિતિમાં હોય ત્યારે તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણી માનસિક સારવાર કરાય છે. પેટમાં દર્દ ન મટે ત્યારે  માનસિક ક્ષતિ હોય છે. તેમાં દર્દીની વધુ પડતી લાગણીશીલતા જવાબદાર હોય છે. આ પ્રકારે દર્દીના  મનોબળને ઉચ્ચ સ્તરે લાવવા કાઉન્સેલિંગ સહિતનો ઇલાજ કરતાં દર્દીને પેટમાં ફાયદો થાય છે. દર્દીએ પણ હિંમત હાર્યા વિના સારવાર લેવી જરૂરી બને છે. એટલે જ મનોચિકિત્સા વિભાગમાં કહેવાય છે કે, પેટ એ બીજું મગજ છે.હોસ્પિટલના મનોચિકિત્સક અને આસિ. પ્રો. ડો. ચિરાગ કુંડલિયાએ કહ્યું કે, દરેક અંગોની માફક પાચનતંત્ર પણ મગજ સાથે જોડાયેલું છે. (સોમેટાઇઝેશન) જુદી જુદી નર્વસ સિસ્ટમ અને લોહીના પરિભ્રમણની મદદથી પેટ અને મગજ વચ્ચે સંદેશાઓની આપ-લે થાય છે, જેમાં એક વેગસ નર્વસ સિસ્ટમ મગજ અને ગેસ્ટ્રાઇન્ટેસ્ટાઇનલથી જોડાયેલી હોય છે. વ્યકિત જો માનસિક અસ્વસ્થ થાય તો તેની સીધી અસર પેટ ઉપર થાય છે. લાંબા સમયના તણાવને કારણે ગેસ કે એસિડીટી થઇ શકે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer