કાનપુરમાં કિવીઝનો મક્કમ જવાબ: વિના વિકેટે 129 રન

કાનપુર, તા. 26 : ઓપનિંગ બેટધર વિલ યંગ અને ટોમ લાથમની શાનદાર અર્ધસદીની મદદથી પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ટેસ્ટના બીજા દિવસે વિના વિકેટે 129 રન કરીને ભારતને મક્કમ જવાબ આપ્યો છે. તે હવે ભારતથી 216 રન પાછળ છે અને તમામ વિકેટ અકબંધ છે.  ટીમ ઇન્ડિયાના પહેલા દાવમાં શ્રેયસ અય્યરની પદાર્પણ ટેસ્ટમાં સદીથી 34પ રન થયા હતા.આજના બીજા દિવસની રમતના અંતે વિલ યંગ 180 દડામાં 12 ચોગ્ગા સાથે 7પ અને ટોમ લાથમ 16પ દડાનો સામનો કરીને 4 ચોગ્ગા સાથે પ0 રને અણનમ રહ્યા હતા. આ બન્ને કિવી બેટધરે એક પણ ભારતીય બોલરને મચક આપી ન હતી. આ કિવી જોડીને ન તો ઇશાંત કે ઉમેશની રફતાર રોકી શકી હતી કે ન તો અશ્વિન-રવીન્દ્ર-અક્ષરની ફિરકી બાંધી શકી હતી. શ્રેયસ અય્યરની સદીને છોડીને બીજા દિવસની રમત ન્યૂઝીલેન્ડનાં નામે રહી હતી. આ પહેલાં સાઉધીની પ વિકેટથી ભારતીય ટીમ 34પ રને ઓલઆઉટ થઇ હતી.આજની રમત દરમિયાન અશ્વિન-રવીન્દ્ર અને અક્ષરની સ્પિન ત્રિપુટીએ મળીને કુલ 41 ઓવર ફેંકી હતી અને એક પણ વિકેટ મેળવી શકયા ન હતા. અશ્વિન અને રવીન્દ્ર જેવા અનુભવી સ્પિનર કાનપુરની ગ્રીનપાર્ક સ્ટેડિયમની પિચ પર ટર્ન મેળવી શકયા ન હતા. આજે બીજા દિવસે ભારતનો પહેલો દાવ 111.1 ઓવરમાં 34પ રને સમાપ્ત થયો હતો. શ્રેયસ ડેબ્યૂ ટેસ્ટમાં સદી કરનારો ભારતનો 16મો બેટધર બન્યો હતો. તેણે 171 દડામાં 13 ચોગ્ગા-2 છગ્ગા સાથે શાનદાર 10પ રન કર્યાં હતા. જાડેજા તેના ગઇકાલના પ0 રનના સ્કોરે જ બોલ્ડ થયો હતો, જ્યારે અશ્વિને 38 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉધીએ આજે કાતિલ બોલિંગ કરી હતી. તેણે 69 રનમાં પ વિકેટ લીધી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer