રાજસ્થાનમાં સંજુ રહેશે, શ્રેયસ દિલ્હીથી બહાર

નવી દિલ્હી, તા.26: વિકેટકીપર-બેટસમેન સંજૂ સેમસન 2022ની આઇપીએલ સિઝન માટે રીટેન થનારો રાજસ્થાન રોયલ્સ ટીમનો પહેલો ખેલાડી છે. તેણે પ્રતિ વર્ષ 14 કરોડ રૂપિયાનો કરાર સ્વીકારી લીધો છે. તે આગામી સિઝનમાં પણ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બની રહેશે.બાકીના અન્ય ત્રણ રીટેન ખેલાડી તરીકે રાજસ્થાનની ફ્રેંચાઇઝી જોસ બટલર, જોફ્રા આર્ચર, બેન સ્ટોકસ અને યશસ્વી જયસ્વાલના નામ પર વિચારણા કરી રહી છે. જેમાં બટલર બીજા રીટેન ખેલાડી તરીકે ફાઇનલ માનવામાં આવે છે. જો કે બટલરે હજુ આ કરાર સ્વીકાર્યો નથી. સ્ટોકસ અને આર્ચર ગત આઇપીએલ સિઝનમાં ઇજાને લીધે રમ્યા ન હતા. આર્ચર 2020ની સિઝનમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.જયારે દિલ્હી કેપિટલ્સે  કાનપુર ટેસ્ટમાં સદી કરનાર ઇન ફોર્મ બેટર શ્રેયસ અય્યરને રીટેન કર્યો નથી. દિલ્હીની ટીમે આજે તેના ચાર રીટેન ખેલાડી તરીકે ઋષભ પંત (કેપ્ટન), પૃથ્વી શો, અક્ષર પટેલ અને ઓનરિક નોત્ઝેની જાળવી રાખ્યા છે. આથી દિલ્હીના સ્ટાર ખેલાડીઓ શ્રેયસ અય્યર, શિખર ધવન, આર. અશ્વિન અને કાગિસો રબાડા મેગા ઓકશનમાં જોવા મળશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer