આણંદસર ગામે ત્રણ વાડીમાં ચોરોનું ભેલાણ : અડધા લાખનો કેબલ ચોરી ગયા

ભુજ, તા. 26 : તાલુકામાં માનકૂવા પોલીસ મથક હેઠળ આવતા આણંદસર ગામના વાડી વિસ્તારમાં ત્રાટકેલા તસ્કર તત્ત્વોએ ત્રણેક વાડીમાંથી રૂા. 50,200ના કેબલનો હાથ માર્યો હતો. તો ભુજમાં જનકકુમાર મહેન્દ્રભાઇ સોલગામા નામના નોકરિયાતનો રૂા. 32,500ની કિંમતનો મોબાઇલ ફોન ભરચક વિસ્તારમાં ચોરાયો હતો, જ્યારે મુંદરાના ધમધમતા વિસ્તાર  માંડવી ચોક ખાતેથી પબુ દેવાયત ગઢવીની બાઇકની ઉઠાંતરી કરી જવાઇ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ, આણંદસર વાડી વિસ્તારમાં ગત તા. 19મીની રાત્રિ વચ્ચે તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. ગામના ખેડૂત જીવરાજભાઇ દેવજીભાઇ ભગત અને અન્ય બે કિસાનની વાડી નિશાન બની હતી. તસ્કરો આ વાડીઓમાંથી રૂા. 50,200ની કિંમતનો 276 મીટર કેબલ ઉઠાવી ગયા હતા તેવું ફરિયાદમાં લખાવાયું છે. માનકૂવાના કાર્યકારી ઇન્સ્પેકટર વાય.પી. જાડેજાએ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, ભુજમાં જૂનાં એસ.ટી. બસ સ્ટેશન પાસે ભરાતી શાકભાજીની બજારમાં ભૂમિ હેન્ડીક્રાફટ નામની દુકાન પાસેથી જનકકુમાર સોલગામાનો  સેમસંગ એ-52 એસ. મોડેલનો મોબાઇલ ફોન ચોરાયો હોવાનો કિસ્સો પોલીસ દફતરે ચડયો છે. ગત તા. 17મીના સવારે સાડા આઠથી સાડા નવ વાગ્યા દરમ્યાન રૂા. 32,500નો આ ફોન ચોરાયાનું ફરિયાદમાં લખાવાયું છે. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું. દરમ્યાન, મુંદરા ખાતે સતત ધમધમતા માંડવી ચોક વિસ્તારમાંથી વ્યવસાયે નોકરિયાત એવા મુંદરાના પબુ ગઢવીની રૂા. 15 હજારની બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાવાઇ છે. ગત તા. 24મીના બપોરથી મોડી સાંજ સુધી આ બનાવ બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer