ભુજ સુધરાઈની કંગાળ સ્થિતિથી વધતી સમસ્યાઓ

ભુજ, તા. 26 : સુધરાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી છે ત્યારે મોટી રકમ ચડત થઈ જતાં સફાઈના કોન્ટ્રાક્ટરે આગામી પહેલી તારીખથી કામ ન કરવા લેખિતમાં જણાવી દીધું છે. તો બીજી તરફ સુધરાઈએ પણ એકથી દશ લાખ સુધીના બાકી વેરા ન ભરનારાઓને તાકીદ કરી વેરા વસૂલાત તેજ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. ભુજમાં સફાઈનો લાંબા સમયથી કોન્ટ્રાક્ટ આપવાનાં આયોજનને હજુ સફળતા મળી નથી ત્યારે ઝોન-એક અને બેમાં જૂના ભાવે કામગીરી કરતા સફાઈ કોન્ટ્રાકટરની દોઢેક કરોડની રકમ ચડત થઈ જતાં સુધરાઈને લેખિતમાં નાણાં ચૂકવવા અન્યથા આગામી તા. 1-12થી કામગીરી બંધ કરવા જણાવી દીધું છે. તો બીજી તરફ સુધરાઈની આર્થિક કફોડી હાલત સુધારવા એક લાખથી દસ લાખ સુધી બાકી વેરા બદલ વ્યવસાયકારોને નોટિસ આપવાની તૈયારીઓ કરી છે. જેમાં શહેરની અનેક નામી વ્યક્તિઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે, સુધરાઈની આર્થિક નબળી પરિસ્થિતિને પગલે કોન્ટ્રાક્ટરનું ચૂકવણું બાકી છે. જો શહેરીજનો નિયમિત વેરો ભરે તો થોડી રાહત મળી શકે. વ્યવસાયિક બાકીદારોની તેમણે મગાવેલી યાદી મુજબ એક લાખથી દસ લાખ સુધીની માતબર રકમ ન ભરનારા અંદાજે 101 જેટલા વ્યવસાયકારોના દોઢ કરોડ જેટલી રકમ બાકી છે. આ યાદીમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પણ સમાવેશ છે. જો કે, આ તમામને સોમવારથી નોટિસ બજાવાશે. બે માસ અગાઉ સુધરાઈના ચોપડે ન ચડેલી 700 જેટલી મિલકતના ધારકોને નોટિસ પાઠવાઈ હતી, જેમાંથી 100 મિલકતની નોંધ થઈ ગઈ. તેમજ અન્ય મિલકતધારકો રસ નહીં દાખવે તો તેમની સામે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત સ્લમ વિસ્તારમાં પાણી-ગટર જોડાણ ધરાવનારા પાસે પણ વેરા વસૂલાત કરાશે તથા ગેરકાયદે જોડાણ ધરાવતા નાની-મોટી હોટલો, સર્વિસ સેન્ટર સામે પણ કાર્યવાહી હાથ ધરાશે તેમ શ્રી ઠક્કરે ઉમેર્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer