રામબાગને પૂર્વ કચ્છની હોસ્પિટલ બનાવો

ગાંધીધામ, તા. 26 : 150 પથારીનું ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી અહીંની રામબાગ હોસ્પિટલને પૂર્વ કચ્છની જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં  અપગ્રેડ કરવા અંગે ગાંધીધામના ધારાસભ્યે આરોગ્યમંત્રી સમક્ષ અનુરોધ કર્યો હતો.ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે, ગાંધીધામની સરકારી હોસ્પિટલ 71 પથારીની સુવિધા સાથે કાર્યરત છે. આ વિસ્તારમાં મહાબંદર, ઔદ્યોગિક એકમો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિકાસના કારણે શ્રમિકવર્ગ વધારે પ્રમાણમાં છે. આ આરોગ્ય કેન્દ્ર ગરીબ અને મધ્યમવર્ગ માટે& આશીર્વાદરૂપ છે. પૂર્વ કચ્છની આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ અને તજજ્ઞોની સેવાઓને ધ્યાને લઈને દરરોજ મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર  લેવા માટે આવે છે. હાલમાં અત્રે સી.પી.એસ. રેસિડેન્સમાં ડીજીઓ અને ડીસીએચના ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે. ડીએનબી અભ્યાસક્રમ માટે અરજી કરાઈ છે. આ સંકુલમાં 75 બેડની સુવિધા ધરાવતી નવી ઈમારત તૈયાર થઈ ચૂકી છે. જેની સાથે  આ આરોગ્ય કેન્દ્રમાં 150 બેડની સુવિધા સાથેનું ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. હાલમાં હોસ્પિટલમાં ભૂંકપ પહેલાંનું મંજૂર થયેલું મહેકમ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રથી પણ ઓછું મહેકમ કાર્યરત છે. જેને કારણે દર્દીઓને સારવાર માટે મુશ્કેલી વેઠવી પડી  રહી છે. હાલમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ જેટલી જ કામગીરી  અહીં થાય છે.પૂર્વ કચ્છની જનતાને સુવિધાયુક્ત ઉચ્ચ આરોગ્યસેવા અર્થે રામબાગ હોસ્પિટલને પૂર્વ કચ્છની જિલ્લાકક્ષાએ અપગ્રેડ કરવા ભારપૂર્વક માંગ કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer