ચાર વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં કોડાય પોલીસ સ્ટેશન

ચાર વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં કોડાય પોલીસ સ્ટેશન
કોડાય (તા. માંડવી), તા. 25 : કોડાય પુલ ચોકડી 24 કલાક ધમધમતી રહે છે. સતત અવર-જવર અને પ્રવાસીઓના વિસામા સમાન કોડાયપુલ ખાતે પોલીસ ચોકી છેલ્લા ચાર વર્ષથી બની ગઇ છે પણ ઉદ્ઘાટનની રાહમાં છે. સ્થાનિકેથી ઘણા વર્ષોથી અહીં પોલીસ સ્ટેશન કાર્યરત થાય તેવી માંગ ઊઠી રહી હતી. થોડા વર્ષો અગાઉ ચોકડી ઉપર પોલીસ ચોકી ઉપર અકસ્માત થયો હતો અને પાકું પોલીસ સ્ટેશન ન હોવાથી સુરક્ષા જવાનનું અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ કાયમી પોલીસ સ્ટેશનની માંગ વધી હતી, ત્યાં 72 જિનાલય દ્વારા જિનાલયની જમીન ઉપર પોલીસ તંત્રને સુપરત પણ કરાયું હતું. જેનો ઉદ્ઘાટન પણ થવાનું હતું, પરંતુ કોઇ કારણવસ રહી ગયું.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોડાય પુલ ખાતે પોલીસ સ્ટેશન ચાલુ કરવા ઉચ્ચ કક્ષાએથી કોઇ આદેશ મળ્યો નથી, જેથી પોલીસ સ્ટેશન કાર્યરત થાય તે ખૂબજ જરૂરી છે. પ્રવાસીઓના ભારે ધસારાથી ખાણી-પીણીનો વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો છે. અને નજીકમાં જ 72 જિનાલય તીર્થ આવેલું છે. જૈન તીર્થની બહાર માંડવી મુંદરા રોડ ઉપર કચરાના ઢગલા ખડકાયા છે, જે ગંદકી સફાઇ કરવા ગ્રામ પંચાયત પણ કાર્યરત બને તે ખૂબજ જરૂરી બની રહ્યું છે. આ સ્થળે વડાપ્રધાન નરેનદ્રભાઇ મોદીના સૂત્ર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો એકડો ભૂંસાતા અહીં જે કચરા અને ગંદકી વકરી છે. તે પ્રવાસનની છબીને પણ ખરડે છે.કોડાય પુલ ખાતે ધંધાઓ વધવાથી દબાણનો દૂષણ પણ વધ્યું છે જે ગ્રામ પંચાયત દૂર કરે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer