...અને `ઇસરો''ના વૈજ્ઞાનિકો ઢોરી શાળામાં પહોંચ્યા

...અને `ઇસરો''ના વૈજ્ઞાનિકો ઢોરી શાળામાં પહોંચ્યા
રમેશ આહીર દ્વારા -  રાયધણપર (તા. ભુજ), તા. 25 : પશુપાલન અને દૂધ ઉત્પાદન પ્રવૃત્તિનું હબ ગણાતા તાલુકાના ઢોરી ગામમાં ગુરુવારે સવારે ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમ આવી પહોંચતાં વિદ્યાર્થીઓ અને ગામલોકોમાં રોમાંચ ફેલાયો હતો. વૈજ્ઞાનિકો અને ઢોરી ગામમાં ? જી, હા, સામાન્ય રીતે કાઇપણ હાઇસ્કૂલ કે શાળાના વિદ્યાર્થીઓની મુલાકાત કોઇ વૈજ્ઞાનિકો સાથે થાય તેવું સૌ શિક્ષકો પોતાની શાળા માટે ઇચ્છતા હોય, પરંતુ અહીં તો ખુદ વૈજ્ઞાનિકોએ સામે ચાલીને ઢોરી ગામની સરકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને મળીને વિવિધ અવકાશ સંશોધન, અવકાશ પ્રગતિથી અવગત કરાવી ભાવિ પેઢીને રોમાંચિત કર્યા હતા. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા તમામ સરકારી વિભાગોમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. તે અંતર્ગત કચ્છમાં વિવિધ સરકારી હાઇસ્કૂલ અને શાળામાં અમદાવાદ સ્થિત ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમ દેશની વિજ્ઞાન શક્તિથી ભાવિ પેઢીને અવગત કરવાની છે તેનો પ્રારંભ ગુરુવારે ઢોરી  ગામથી થયો હતો.અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો અમદાવાદ, ભારત વિકાસ પરિષદ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઝલક ઉપરાંત વિક્રમ સારાભાઇ અંતરિક્ષ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું અને ભાવિ પેઢી પણ વૈજ્ઞાનિક બને અથવા પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ-સ્થાને પહોંચે તેવું માર્ગદર્શન અપાયું હતું. ઇસરોમાં 32 વર્ષનો વૈજ્ઞાનિક તરીકેનો અનુભવ ધરાવતા એસ. જે. ભટ્ટે જણાવ્યું કે જે ક્ષેત્રમાં રસ હોય ત્યાં પૂરી લગનથી મહેનત કરવાથી સફળતા મળશે. કચ્છ તરફથી ખૂબ લાગણી-હૂંફ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇસરોના નિરૂબેન શેઠે જણાવ્યું કે, અંતરિક્ષ વિજ્ઞાનમાં આપણે ખૂબ પ્રગતિ કરીને અંતરિક્ષ વિજ્ઞાન બાબતમાં વિશ્વના પ્રથમ પાંચ દેશોમાં સ્થાન બનાવ્યું છે. ગામડાના દુર્ગમ વિસ્તારના બાળકો પણ આપણી વિજ્ઞાન શક્તિથી અવગત થાય તે આ યાત્રાનો ઉદ્શે છે તેવું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થયું હતું. ઢોરી સરકારી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ પી.જી. ઝાલાએ સૌને આવકાર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકરી શ્રી ભટ્ટ, શિક્ષણ વિભાગના અધિકારી વસંતભાઇ તેરૈયા, શ્રી મન્સૂરી વગેરેએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.અંતરિક્ષ પ્રદર્શન દરમ્યાન નવા-નવા સંશોધન વિશે, વૈજ્ઞાનિક બનવા શું કરવું પડે તે સંબંધી પ્રશ્નો પણ વિદ્યાર્થીઓએ કર્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ઢોરી સરકારી હાઇસ્કૂલ, માધાપર સરકારી હાઇસ્કૂલ, ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રદર્શનો રજૂ કર્યા હતા. ઢોરી હાઇસ્કૂલમાં ઇસરોના વૈજ્ઞાનિકોના આગમનને પગલે સમગ્ર સંકુલને સુશોભિત કરી ઉત્સાહ દર્શાવ્યો હતો. અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિમાં પણ  આગળ રહેતી ઢોરી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ઝાલા અને તેમના સ્ટાફગણની તમામ વક્તાઓએ સરાહના કરી હતી. કાર્યક્રમમમાં ઢોરી સરપંચ લખુભાઇ આહીર, અગ્રણીઓ ત્રિકમભાઇ વારોત્રા, હરિભાઇ રાણા, ગોપાલભાઇ, દેવકરણભાઇ, શિવજીભાઇ, દામજીભાઇ વારોત્રા, વિરમભાઇ આહીર વગેરે મંચસ્થ રહ્યા હતા. હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સામાન્ય રીત કાર્યક્રમમાં બાળકો દ્વારા તાળી પાડી અભિવાદન કરવામાં આવતું હોય છે ત્યારે ઢોરી સરકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક-બે-ત્રણના ક્રમાનુસાર લયબદ્ધ તાળીઓ પૂરા કાર્યક્રમમાં સમયાંતરે રજૂ કરી એક નવી ઓળખ અપાઇ હતી. વૈજ્ઞાનિકો સામે પગલે વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઢોરી સરકારી હાઇસ્કૂલની પ્રથમ પસંદગી થવા પાછળ ઢોરી સરકારી હાઇસ્કૂલની પ્રગતિશીલ યશગાથા કારણભૂત છે. હાઇસ્કૂલના પ્રિન્સિપાલ પી.જી. ઝાલાએ જણાવ્યું કે, અમારી હાઇસ્કૂલને 2019માં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે. હાઇસ્કૂલ ઇતર પ્રવૃત્તિમાં આગળ પડતી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer