ભુજમાં કાલે રસી ન લેનારાને શોધાશે

ભુજમાં કાલે રસી ન લેનારાને શોધાશે
ભુજ, તા. 25 : કોરોનાના ભય વચ્ચે રસી લેવા કતારો લાગતી હતી પણ હવે `ભય બિન પ્રીત ન હોઇ' જેવો તાલ જોવા મળી રહ્યો છે. પહેલાં ડોઝ લેવામાં બાકીની સંખ્યા ભલે ઓછી હોય પણ પહેલો ડોઝ લેનારાનો બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો હોવા છતાં રસી નથી મુકાવતા તેમને `હર ઘર દસ્તક' કાર્યક્રમ નવેમ્બર મહિનામાં અમલી બનાવાયો છે.આરોગ્ય તંત્ર દ્વારા ભુજ શહેરને  નિશાન બનાવીને આજે ભુજના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-1 ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડો. વૈશાલીબેન ડાભી, ડો. અલ્પાબેન, ભુજ તાલુકા સુપરવાઇઝરો આશિતભાઇ શાહ, મીનાબેન ઠક્કરની આગેવાનીમાં આરોગ્ય કર્મચારીઓની ટીમની રચના અને તા. 27/11ના રસીકરણ માટે જવા પહેલાંની સજ્જતાના આયોજનને આખરીરૂપ અપાયું હતું.ભુજના ખાસ કરીને બીજો ડોઝ લેવાના બાકી હોય તેવા લોકોના વિસ્તારોથી 40 જેટલી ટીમો નીકળી પડશે. આ ટીમોમાં  ભુજ તાલુકા સુપરવાઇઝરો આશિતભાઇ અને મીનાબેન સાથે આરબીએસકે મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, એમપીએચએસ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, આશા અને આંગણવાડી વર્કર જોડાશે.આ ટીમ ઘરો ઘર જઇ રસી ન લેનારાને રસીકરણ કરાવવા જણાવશે નહીં માને તો સમજાવશે અને છતાં નહીં જ સમજે તો તેની આરોગ્ય તંત્રને  લેખિતમાં કારણો સાથે જાણ કરશે. એક દિવસીય આ હર ઘર દસ્તક યોજનામાં લોકોને જાગૃત બની સહકાર આપવા માટે જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer