મોરારિબાપુની ઉપસ્થિતિમાં લોકસેવાર્થે જોડાયેલી રાજ્યની 7પ સંસ્થાનું સન્માન

મોરારિબાપુની ઉપસ્થિતિમાં લોકસેવાર્થે જોડાયેલી રાજ્યની 7પ સંસ્થાનું સન્માન
ભાવનગર, તા. 25 : ગુજરાતના મુઠી ઊંચેરા લોકસેવક માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત 31મા વર્ષે નાગરિક સન્માન સમારોહ શિશુવિહાર ખાતે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયો હતો જેમાં આરોગ્ય, બાળકેળવણી, પર્યાવરણ જાગૃતિ, બાળ મહિલા ઉત્કર્ષ વિષયે સેવારત ભુજ સહિત રાજ્યની 7પ સ્વૈચ્છિક સંસ્થાઓનું મોરારિબાપુની ઉપસ્થિતિમાં અભિવાદન કરાયું હતું.  લોકસેવાના કાર્યમાં જોડાયેલી અને ગુજરાતના મહાજનપણાને જાળવી રાખતી સંસ્થાઓને માનભાઈની સ્મૃતિમાં શિલ્ડ, ખેસ, પુસ્તક સંપુટ તથા તમામ સંસ્થાઓની કામગીરીને વ્યક્ત કરતાં ગ્રંથથી સન્માનિત કરાયા હતા.કચ્છમાં સેવા કરતી સંસ્થા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીને `નાગરિક સન્માન-2021'થી સન્માનિત કરાયા હતા. માનવ જ્યોત ટ્રસ્ટ-મુંબઈ તથા ચિત્રકુટ ધામ, તલગાજરડાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મોરારિબાપુ ખાસ દિલ્હી રામકથા પૂર્ણ કરી રાજ્યભરમાંથી આવેલા સ્વૈચ્છિક સંસ્થાઓના સંચાલકોને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રિન્કુ જણસારી, હર્ષાબેન સુથાર, હિતેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વો વિશ્વામિત્ર આંદોલનના પ્રણેતા પદ્મશ્રી ડો. એમ. એચ. મહેતાએ સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ સામેનો જવાબ લોકોના સ્વૈચ્છિક પ્રયત્નોમાંથી ઉદ્ભવશે. પ્રસંગે માનવજ્યોત સંસ્થાના અધ્યક્ષ કુલીનકાન્તભાઈ લુઠિયાનું અભિવાદન કરાયું હતું. સંચાલક પ્રવીણભાઈ ઠક્કરે પુસ્તક વિમોચન બાદ આભાર વ્યક્ત કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer