કંડલા કેબલચોરી પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ

કંડલા કેબલચોરી પ્રકરણમાં ચાર આરોપીની ધરપકડ
ગાંધીધામ, તા. 25 : કંડલા પોલીસ ટીમે કેબલચોરીનો ભેદ ઉકેલી ચાર તહોમતદારોની ધરપકડ કરી તેમની પાસેથી 2.87 લાખના કેબલ વાયરો કબ્જે કર્યા હતા.કંડલામાં ઝીરો પોઈન્ટથી પોર્ટના ગેટ નં. 2 તરફ જતા રસ્તા ઉપર  રેલવે ફાટક પાસેથી  ગત તા. 12/11થી તા. 13/11ના સમયગાળા દરમ્યાન અજાણ્યા આરોપીઓ  કંડલા ટેકનિશિયન એન્જનીયરિંગ  પ્રા. લિ.ના  કેબલ વાયર 242 મીટર કિં. રૂા. 3.12 લાખની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ  મનીષભાઈ ઓમપ્રકાશ પાંડેએ  નોંધાવી હતી.ચોરીના પ્રકરણમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સના આધારે નવા કંડલાના  હાજીભાઈ આમદભાઈ નિંગામણા, ઈસ્માઈલ ઓસમાણ કોરેજા,કાદલભાઈ આમદભાઈ નિંગામણા, સુલતાન હુસેનભાઈ સોતાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 223 મીટર કેબલ વાયર કબ્જે લેવામાં આવ્યો છે. જેની કિંમત રૂા. 2,87,500 આંકવામાં આવી છે. આ કામગીરીમાં કંડલા પી.આઈ. કે.પી. સાગઠિયાનાં માર્ગદર્શન તળે સ્ટાફગણ જોડાયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer