કચ્છની માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવા સંગઠનની માંગ

ભુજ, તા. 25 : જિલ્લાની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યા ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર થતી અસર નિવારવા પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવા ગુજરાત રાજ્ય સેવા વર્ગ-3 સરકારી શિક્ષણ સરકારી કર્મચારી મંડળ દ્વારા માંગ કરાઈ છે.નિયામક કમિશનર અને શાળાઓની કચેરી ગાંધીનગર ખાતે કરાયેલી લેખિત રજુઆતમાં જણાવાયા મુજબ કચ્છની માધ્યમિક શાળાઓમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોના શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે, સાથે સાથે બીજું સત્ર શરૂ થઈ ગયું હોવાથી તાત્કાલિક ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકની મંજૂરી આપવા માંગ કરાઇ  હોવાનું સંગઠન પ્રમુખ દિવ્યરાજાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ખાસ કરીને લખપત અને અબડાસા વિસ્તારમાં મુખ્ય વિષયોના શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં હાલ શિક્ષણાધિકારી કચેરી દ્વારા મુકવામાં આવતા શિક્ષકો ગુજરાતી, હિન્દી જેવા વિષયોના હોવાથી અંગ્રેજી, વિજ્ઞાન ગણિતમાં કામ આવે તેમ ન હોવાથી ઉપરાંત બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે તેથી પ્રવાસીની મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer