આઇપીએલના રીટેન ખેલાડીઓ પર ફ્રેંચાઇઝીઓનું સસ્પેન્સ

નવી દિલ્હી, તા.25: આઇપીએલ-2022 માટે રિટેન પ્લેયર્સનું લિસ્ટ જારી કરવાની તારીખ નજીક આવી રહી છે. જો કે હજુ સુધી કોઇ ફ્રેંચાઇઝીએ પત્તા ખોલ્યા નથી. આમ છતાં છાનેખૂણેથી ખબર આવી રહી છે. જે મુજબ સીએસકે તરફથી ફરી એમએસ ધોની અને દિલ્હી કેપિટલ્સ તરફથી ઋષભ પંત કપ્તાની કરશે તે નિશ્ચિત છે. જયારે કેએલ રાહુલ નવી ફ્રેંચાઇઝી લખનઉ સાથે જોડાશે અને નેતૃત્વ સંભાળશે તેવી ખબર છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બીસીસીઆઇએ તમામ 8 જૂની ફ્રેંચાઇઝીને 4-4 ખેલાડી (જેમાં 3 સ્વદેશી અને 1 વિદેશી ખેલાડી)ને રીટેન કરવાની છૂટ આપી છે. બાકીના તમામ ખેલાડીઓને મેગા ઓકશન માટે રીલિઝ કરવાના રહેશે.  મેગા ઓકશન આવતા મહિને થવાનું છે.રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સે કપ્તાન ઋષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને વિદેશી ખેલાડી તરીકે એનરિક નોત્ઝેની જાળવી રાખવાની યોજના બનાવી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સુકાની રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને રીટેન કરશે. વિદેશી ખેલાડી તરીકે કિરોન પોલાર્ડ અને ટ્રેંટ બોલ્ટ સાથે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનમાંથી કોઇ એકને રીટેન કરશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer