હન વરે આંજે ગામમેં લાડા કટલા ઐં??

રાયધણપર (તા. ભુજ), તા. 25 : `આંજે ગામમેં લાડા કટલા?' (તમારાં ગામમાં વરરાજા કેટલા?) આવા વાક્યો આહીરપટ્ટી અને આહીર સમાજની વસ્તી ધરાવતા ગામોમાં દ્વિઅર્થી રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. એક તરફ ગામડાઓમાં લોકશાહીનું પર્વ એટલે કે સરપંચની ચૂંટણીઓ આવી રહી છે. અને બીજીતરફ સામાજિક પર્વ એટલે કે આહીર સમાજમાં લગ્નની તારીખો પણ નજીક-નજીકમાં જ છે. કેટલા લાડા છે? તેવો પ્રશ્ન બે અર્થમાં કામ આવી રહ્યો છે ફરક માત્ર એટલો છે કે કોઈક લગ્નના અર્થમાં પૂછી રહ્યા છે અને કોઈક ચૂંટણીના સંદર્ભે પૂછી રહ્યા છે. આગામી 20 ડિસેમ્બરના કચ્છના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં યોજાવા જઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સંદર્ભે આહીરપટ્ટી અને આહીર સમાજના ગામડાઓની વાત કરીએ તો તા. 11-12 અને 13 ડિસેમ્બર આ દિવસોમાં મચ્છોયા આહીર સમાજના લગ્નોની તારીખો પણ છે જેથી લોકશાહીપર્વ અને સામાજિક પર્વની આવા ગામડાઓમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તાલુકાની આહીરપટ્ટીમાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે તેવા ગામડા ઉપર દૃષ્ટિપાત કરીએ તો ઢોરી, સુમરાસર શેખ, ડગાળા, કુનરિયા, હબાય, ઝીંકડી, કોટાય, લોડાઈ, મમુઆરા, મોખાણા, કંઢેરાઈ, કુકમા, લાખોંદ, ત્રાયા, નાગોર જેવા ગામડાઓનો સમાવેશ થાય છે. તો વળી અંજાર તાલુકાના વીરા, ભલોટ, ટપ્પર, વરસામેડી, માથક, લાખાપર, કોટડા, ભુવડ, ચાંદ્રાણી, સંઘડ, સત્તાપર, નગાવલાડિયા, હીરાપર, બિટાવલાડિયા, ભીમાસર, પશુડા, આંબાપર સહિતના ગામોમાં પણ ચૂંટણીનો ધમધમાટ છે. ત્યારે આવા ગામડાઓ પૈકી અમુક ગામડાઓમાં લગ્ન પણ મોટી સંખ્યામાં છે તેથી મતદારો માટે જાણે કે બંને હાથમાં લાડુ હોય તેવો માહોલ જોવા મળે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer