નલિયાને પછાડી કંડલા (એ) રાજ્યનું ઠંડું મથક બન્યું

ભુજ, તા. 25 : વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં જિલ્લાના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ધુમ્મસના  આવરણ સાથે ઝાકળિયો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ઝાકળના આવરણના લીધે લઘુતમ તાપમાન એકથી પાંચ ડિગ્રી ઉંચકાયું છે.શિયાળાની સિઝનમાં લગભગ મોખરાના શીતમથક પર સ્થાન જમાવતા નલિયાને  પાછળ રાખી  14 ડિગ્રીએ કંડલા (એ) રાજ્યનું ઠંડું મથક બનતાં અંજાર-ગાંધીધામ વિસ્તારના લોકોએ ઠંડીની ચમકનો ખાસ્સો એવો અનુભવ કર્યો હતો.નલિયામાં પારો બે દિવસમાં ગગડી 10.6 ડિગ્રીએ પહોંચ્યા બાદ પાંચ ડિગ્રીના વધારા સાથે પારો 15.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.જિલ્લા મથક ભુજમાં સવારના સમયે ઝાકળવર્ષાથી માર્ગો ભીંજાયા હતા. અહીં 32.8 ડિગ્રી મહતમ સામે 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. લઘુતમ પારો ઉંચકાયો પણ મહતમ પારો નીચે ઉતરતાં વાતાવરણીય વિષમતામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.હવામાન વિભાગે હજુ આવો માહોલ જળવાયેલો રહેવાની સંભાવના વ્યકત કરી છે. ડિસેમ્બરના આરંભે કડકડતી ઠંડી પોતાની પક્કડ જમાવશે તેવું હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer