જાત પ્રત્યે કઠોર અને જગત પ્રત્યે કોમળ બનો

જાત પ્રત્યે કઠોર અને જગત પ્રત્યે કોમળ બનો
ભુજ, તા. 25 : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે સાધ્વીજી ચારુનયનાશ્રીજી મ.સા. આદિ ઠાણા-6ના ચાતુર્માસ પૂર્ણ થતાં ગઢેચા વનેચંદ પોપટલાલ પરિવારને ત્યાં ચાતુર્માસ પરિવર્તન શેત્રુંજય મહાતીર્થની ભાવયાત્રા, અંતિમ દેશના વિગેરે અનુષ્ઠાનો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં  સંઘના ભાઇ-બહેનો જોડાયા હતા.પ્રથમ ચરણ પૂ. સાધ્વીજી ભગવંતોએ સકળ સંઘ સાથે વાજતે-ગાજતે લાભાર્થી ગઢેચા પરિવારના ઓરીએન્ટ કોલોનીમાં આવેલા નિવાસસ્થાને પગલાં કરી ચાતુર્માસ પરિવર્તન કર્યું હતું. પૂ. સાધ્વીજી ભગવંતોએ ગરવા ગિરિરાજ શેત્રુંજય તીર્થની ભાવયાત્રા કરાવી હતી.ચાતુર્માસની અંતિમ દેશના (વાંચના)માં પૂ. સાધ્વીજી ભગવંત ચારુનયનાશ્રીજી મ. સાહેબે  ભાવવાહી શૈલીમાં   સંઘને  ધર્મ આરાધના ક્ષેત્રે સતત અભ્યુદય પામતા કલ્પવૃક્ષ સમાન ગણાવ્યો હતો અને જીવનને સફળ બનાવવા જાત પ્રત્યે કઠોર, જગત પ્રત્યે કોમળ અને જગતપતિ પ્રત્યે કૃતજ્ઞ બનવાની અને પાપના માર્ગેથી નિવૃત્ત થવાની શીખ આપી હતી.અંતિમ ચરણમાં લાભાર્થી પરિવાર દ્વારા આરાધના ભવન જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોની સવારની નવકારશી (નાસ્તો)નું આયોજન કરાયું હતું. લાભાર્થી પરિવારના ચંદુભાઇ?ગઢેચાએ  ચાતુર્માસ પરિર્વતનનો લાભ આપવા બદલ પૂ. ગુરુદેવો તથા સંઘનો આભાર માન્યો હતો તેવું મીડિયા કન્વીનર વી. જી. મહેતાએ જણાવ્યું હતું.તમામ અનુષ્ઠાનોને સુપેરે પાર પાડવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી  કમલભાઇ, મંત્રી ધીરજલાલ મહેતા, હોદ્દેદારો, ટ્રસ્ટીગણ, દાતા પરિવારના  સભ્યો, યુવાવર્ગ વિ.એ જહેમત ઉઠાવી હતી, તેવું મંત્રી ધીરજલાલ મહેતા અને વી.જી. મહેતાની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer