કચ્છની સૌથી મોટી નખત્રાણા ગ્રા.પં.માં ઠંડી વચ્ચે `ગરમી''

અશ્વિન જેઠી દ્વારા - નખત્રાણા, તા. 25 : જિલ્લાની સૌથી મોટી ગણાતી અહીંની ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે નખત્રાણા તાલુકાની 66 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાવાની છે ત્યારે રાજકીય રીતે અલગ તાસીર ધરાવતા નખત્રાણાની ગ્રામ પંચાયત સર કરવા અત્યારથી જ રાજકીય યોદ્ધાઓની છાવણી ધમધમી રહી  છે. તેમજ આ વખતે નવા-જૂનીના એંધાણ મળી રહ્યા છે.આ વખતે સરપંચની બેઠક સામાન્ય નથી. અનૂસૂચિત જાતિની ત્રી અનામત બેઠક છે તેમ છતાં રસાકસી સાથે મોટા માથાઓની પ્રતિષ્ઠાભર્યા નખત્રાણા ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ બની રહેશે. આમ તો નખત્રાણાની ગ્રામ પંચાયતની ચૂંટણીએ અનેક ઉતાર ચડાવ જોયા છે. રાજકીય સતરંજના ચોકઠા ગોઠવી એકબીજાને પરાસ્ત કરતા રહ્યા છે. ગત પાંચ વર્ષની ટર્મમાં બે વખત સરપંચની ચૂંટણી થઇ હતી. ચૂંટાયેલા જિજ્ઞાબેન સોનીએ અધવચ્ચેથી રાજીનામું આપતાં પેટાચૂંટણી થઇ હતી અને તેમાં લીલાબેન વી. પાંચાણી સરપંચપદે આરૂઢ થયા ત્યારે ગત પાંચ વર્ષ રાજકીય કાવા-દાવાવાળા રહ્યા અને હવે આ  ચૂંટણીમાં હિસાબ સરભર કરવા મોરચા મંડાયા છે. અહીં એક વાત ચોક્કસ છે કે, પંચાયતની તેમજ બેઠકોની જાહેરાત સાથે સરપંચપદનું રોટેશન ફેરવવા કેટલાય રાજકીય વ્યક્તિઓએ એડી ચોટીનું જોર લગાવ્યું, ગાંધીનગરના ધક્કા પણ  ખાઇ આવ્યા, પરંતુ આ વખતે સફળ થયા નહીં જે ગયા વખતે થયા હતા ! ચૂંટણી લોકશાહીનો સ્થંભ છે, પરંતુ કોણ જાણે કેમ નખત્રાણાની પ્રજાએ જેમને ચૂંટી ગામના  સુકાની બનાવ્યા અને નગરના વિકાસ માટે જવાબદારી સોંપી તેમ છતાં ગામનો વિકાસ જેટલો થવો જોઇએ તેવો થયો નહીં. રાજકીય ખટપટ-આંતરિક દગો તેમજ પોતાના અહમમાં નગરનો વિકાસ અધરો રહી ગયો.તો આ વખતે 20 જેટલા વોર્ડમાં કેટલાય મૂરતિયા કંઇક અરમાનો સાથે પોતાની દાવેદારી સાથે અત્યારથી જ ઉમેદવારી નોંધાવી રહ્યા, તો મિટિંગોના દોર ચાલુ થઇ ગયો છે. આવનાર સમયમાં બેઠકોનો ધમધમાટ, ખારીભાતની ડિપ્લોમસી શરૂ થઇ જશે અને એક માત્ર ઉદ્દેશ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતવું સાથે વિકાસના વાયદાઓની પણ વણઝાર જામશે.20 વોર્ડ-20 જેટલા સભ્યોની બેઠકની વાત કરીએ તો વોર્ડ નં.-1, સામાન્ય ત્રી, વોર્ડ નં.-2, સામાન્ય ત્રી, વોર્ડ નં.-3 સા.શૈ.પ. ત્રી, વોર્ડ નં.-4 સા.શૈ.પ. પુરુષ, વોર્ડ નં.-5, આદિજાતિ-ત્રી, વોર્ડ નં.-6, સામાન્ય પુરુષ, વોર્ડ નં.-7 સામાન્ય પુરુષ, વોર્ડ નં.-8 સામાન્ય પુરુષ, વોર્ડ નં. 9, સામાન્ય ત્રી, વોર્ડ નં. 10 સામાન્ય પુરુષ, વોર્ડ નં.-11, સામાન્ય ત્રી, વોર્ડ નં.-12, સામાન્ય ત્રી, વોર્ડ નં. 13 સામાન્ય ત્રી, વોર્ડ નં. 14 સામાન્ય ત્રી, વોર્ડ નં. 15 સામાન્ય પુરુષ, વોર્ડ નં. 16 સામાન્ય પુરુષ, વોર્ડ નં. 17 અ.જા. પુરુષ, વોર્ડ નં. 18 ત્રી, વોર્ડ નં. 19 સામાન્ય પુરુષ, વોર્ડ નં. 20 અ.જ.જા. પુરુષ. આ રીતે સામાન્ય પુરુષ 7, સામાન્ય ત્રી 7, સા.શૈ.પ. 2, આદિજાતિ 1, અનુસૂચિત જાતિ 3 મળી કુલ્લ 20 બેઠકોનું રોટેશન જાહેર થયું છે.છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામ પંચાયતની ચૂંટણીની તાસીર બદલાઇ ગઇ છે અને તેનું કારણ વિકાસ માટે આવતી ગ્રાન્ટો અને તેમાંય પશ્ચિમ કચ્છમાં આવતી પવનચક્કીઓના કારણે પંચાયતની ચૂંટણીમાં હરીફાઇ વધી ગઇ છે તે સમજી શકાય તેવી વાત છે.વચ્ચે એ વાત પણ જાણવા મળી છે કે, સૌથી મોટી ગણાતી આ નગરની ગ્રામ પંચાયત અંકે કરવા અને નગરનો વિકાસ કરવા ધારાશાત્રીઓ, સરપંચ તેમજ તમામ વોર્ડમાં પેનલ બનાવી ચૂંટણી લડશે તેવું જાણવા મળે છે, તો ગુલાબી ઠંડીમાં ચૂંટણી જાહેર થતાં ગરમાવો આવી રહ્યો છે, તો જૂના જોગીઓ મેદાનમાં ઉતરતાં એક વાત નક્કી છે,પ્રજા છેલ્લા દસેક વર્ષમાં બધું જોઇ ચૂકી છે જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો ન હોય તેમ છતાં રાજકીય પક્ષો આવી જાય છે.આ નગરનો ધરતીકંપ બાદ ભારે વિકાસ થયો છે. વસતી સાથે વિસ્તાર પણ ખૂબ જ વધ્યો છે, પરંતુ જે રીતે જોઇએ તેવો નગરનો વિકાસ થયો નથી. નગરજનોને સતાવતો મોટો પ્રશ્ન હોય તો આખા નગરની ગટર લાઇનનો છે. ગ્રામ પંચાયતની સ્વતંત્ર ગટર લાઇન છે જ નહીં. જેના કારણે ચોમાસામાં કે આમ દિવસોમાં ગટર લાઇનો ચોકઅપ થાય ત્યારે ત્યારે સમસ્યા સર્જાય છે. ગટર વિકાસની ખૂટતી કડી છે. આના માટે ઉમેદવારો પાસે સચોટ પ્રોમિસ લેવાની સાથે ગટરના પ્રશ્ન ઉકેલાય તેવી પ્રજાએ ચૂંટણી સમયે જાગૃતતા બતાવવી જોઇએ, તો વિકાસની બાબતોમાં ટાઉનહોલ, જાહેર શૌચાલય-મૂતરડી, શાક માર્કેટ, બગીચાનો વિકાસ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સવલતો (પાણીની સગવડો) પર ભાર મૂકવો જોઇએ, તે પણ ખોટા વાયદાઓ સાથે નહીં, સચોટ વચનો સાથે. તો રખડતા ઢોરોનો પ્રશ્ન પણ હલ થવો જોઇએ અને લોકોને પોતાના વોર્ડમાં ઉમેદવારો માત્ર સભ્ય બનવા જ ઉત્સાહી હોય તેવાને જાકારો આપી, સારા શિક્ષિત ઉમેદવારો પર પસંદગી ઉતારી, નગરનો સર્વાંગી વિકાસ થાય તે માટે તૈયાર રહેવું જોઇએ. કેટલાક લોકો આ નગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય, સમરસ થાય તે માટે પ્રયત્નશીલ છે, પરંતુ ભાઇ, આ બીજું બારડોલી છે. રાજકીય તાસીર અનોખી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer