21 દિવસમાં ડેંગ્યુના 350 દર્દી નોંધાયા

ભુજ, તા. 25 : કચ્છમાં વરસાદી માહોલ પછી દેખાયેલા મચ્છરજન્ય રોગોએ લીધેલો ઉપાડો હજુ શમવાનું નામ નથી લેતો. ભુજ શહેરમાં ત્રીજીવાર મેગા ડ્રાઇવ યોજવી પડી. એક તરફ દર્દીઓ કણસી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાના કેસો ઘટતાં રાહતનો શ્વાસ લેવાનું વિચારતા આરોગ્ય કર્મચારીઓ તેમને રસીકરણ ઉપરાંત ઘરો ઘર મચ્છર ઉત્પતિ સ્થાનોના સર્વેમાં જોતરી દેવાયાની પીડા અનુભવી રહ્યા છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં દર્દીઓની મોટી સંખ્યા હોવાના હેવાલો છપાતા જ રહ્યા છે.મચ્છરોની ઉત્પતિ કરતા સ્થળોનો લોકો જાતે જ નાશ કરીને બચે તે માટે આરોગ્ય તંત્રની ટીમો સમજાવી રહી છે પણ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો જ તાલ હોય તેમ ટીમો જ્યાં જાય ત્યાં જાતે જ પાણી ભરેલા પાત્રો શોધી ખાલી કરાવે છે.જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઇ દુર્ગાણીને આ કામગીરી બાબતે  પૂછતાં જણાવ્યું કે, ભુજમાં મચ્છર અટકાવ અને દર્દીઓને સારવાર માટે લોહીના નમૂના તપાસીને મોકલવાની ભુજ શહેરમાં જ ત્રીજી મેગા ડ્રાઇવ યોજાઇ તે રીતે મુંદરા, અંજાર, ગાંધીધામમાં પણ પહેલા અને ત્રીજા શનિવારે ડ્રાઇવ યોજાય છે.ભુજનો વ્યાપ અને વસતી વધારે હોવાથી તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાંથી પણ આરોગ્ય કર્મચારીઓ બોલાવી ટીમો બનાવીને કાર્યવાહી કરાય છે.જ્યારે અન્ય તાલુકામાં મચ્છરજન્ય બીમારીવાળા વિસ્તારોને  સ્થાનિક અને તેમના તાલુકાની ટીમો દ્વારા પહોંચી વળાય છે. ભુજમાં મેગા ડ્રાઇવ યોજવાના કારણ વિશે પૂછતાં જણાવ્યું કે, ભુજમાં સૌથી વધુ કન્ફર્મ કેસો છે. કન્ફર્મ કેસો મતલબ એલાઇઝા ટેસ્ટ જેને કોરોનામાં આરટીપીસીઆર જેમ માન્ય ગણાય છે.ભુજના અસરગ્રસ્ત વિસ્તારો અંગે પૂછતાં જણાવ્યું કે, એડિસ મચ્છર બધે જ મળી આવે છે. લોકોની એકથી બીજા વિસ્તારમાં  અવર-જવર થતી જ હોય. મચ્છરના એકને કરડી બીજાને કરડવાથી ચેપ લાગતો હોવાથી અસરગ્રસ્ત વિસ્તારો બદલતા રહે છે, જ્યાં વધારે કેસ મળે તેને પ્રાથમિકતા અપાય છે.ડેંગ્યુના નવેમ્બર મહિનાના 21મી તારીખ સુધીની આંકડાકીય વિગતો આપતાં શ્રી દુર્ગાણી જણાવે છે કે, ખાનગી હોસ્પિટલોમાં કાર્ડથી ટેસ્ટીંગ થાય છે. ત્યાં કચ્છમાં કુલ્લ 299 રિપોર્ટ થયા છે, જ્યારે સરકારી કન્ફર્મ 50 કેસ નોંધાયા.તાલુકાવાર આંકડા જોઇએ તો સૌથી વધારે મુંદરા તાલુકામાં ખાનગીમાં  241 જ્યારે કન્ફર્મ-1, ભુજમાં  કન્ફર્મ-43 જ્યારે  ખાનગી-13, નખત્રાણા-ખાનગી-15 અને કન્ફર્મ-2, અંજાર તા.માં ખાનગી-4, કન્ફર્મ-2, માંડવી અને રાપરમાં ખાનગીના એક-એક રિપોર્ટની જિલ્લા મેલેરિયા શાખા સુધી વિગતો પહોંચી છે.અબડાસા, લખપત અને ભચાઉ તાલુકાના કેસો સરકારી ચોપડા સુધી પહોંચ્યા નથી.મેલેરિયાના કેસોમાં અગાઉના પ્રમાણમાં ખૂબજ ઘટાડો થવાનું જણાવતાં કહ્યું કે, જિલ્લાભરમાં  15 કેસ નોંધાયા છે.ચિકનગુનિયાના કેસો નોંધાયા નથી તે બાબતે જિ. મેલેરિયા અધિકારી કહે છે કે, ચિકનગુનિયાનો ચેપ લાગે પછી પાંચ દિવસે પોઝિટીવ આવે. આમ વિલંબ કરવાને બદલે લક્ષણો પ્રમાણે સારવાર તરત શરૂ કરી દેવાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer