ગાંધીધામ રેલવે કોલોનીનાં બંધ મકાનમાંથી 40 હજારની ચોરી

ગાંધીધામ, તા. 25 : શહેરની રેલવે કોલોનીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના રોકડ સહિત  રૂા. 40 હજારની માલમતાની ચોરી  કરીને નાસી ગયા હતા.ગાંધીધામ રેલવે સ્ટેશનના ડેપ્યુટી સ્ટેશન અધિક્ષક અશોકકુમાર સેવકનારાયણ વર્માની  ફરિયાદને ટાંકીને  પોલીસે કહયુ હતુ કે   રેલવે કોલોનીના  મકાન નં. 87/એ માં ગત તા. 13/11 ના સાંજે 5 વાગ્યા થી તા.24/11 ના બપોરના 2 વાગ્યા સુધીના અરસામાં  ચોરીનો   બનાવ બન્યો હતો.  અજાણ્યા ઈસમો   ઘરના  પાછળના ભાગે દિવાલમાં  બાકોરૂ  કરી પ્રવેશ્યા હતા. નિશાચરો  તિજોરીનુ તાળું તોડી   ચાંદીના દાગીના  નં. 6 કિં રૂા. 6 હજાર, 7 હજારના  બે જોડી ચાંદીના પાયલ, 7 હજારની સોનાની કાનની  2 વાળી તથા રોકડા રૂા. 20 હજાર સહિત  કુલ રૂા.40 હજારનો માલ તફડાવી ગયા હતા. મકાન માલિક સામાજીક પ્રસંગે પોતાના વતન ઝારખંડ ગયા હોવાનુ ફરિયાદમાં વર્ણવામાં આવ્યુ છે.નોંધપાત્ર છે કે  છેલ્લા કેટલાક સમયથી રેલવે કોલોનીમાં ચોરીના બનાવો વધતા  કર્મચારી વર્ગમાં નારાજગી પ્રર્વતી છે. ચોરીના આ બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. ડી.એસ. પટેલ ચલાવી રહયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer