અંજારમાં ગેરકાયદેસર દબાણોની પ્રવૃત્તિ નિરંકુશ

અંજારમાં ગેરકાયદેસર દબાણોની પ્રવૃત્તિ નિરંકુશ
અંજાર, તા. 25 : કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક અસામાજિક અને રાજકીય વગ ધરાવતા તત્વો દ્વારા અનેક સરકારી અને પડતર ખુલી જમીનો પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવાની જાણે હોડ જામી છે, છેલ્લા અમુક મહિનાઓના ગાળામાં આ પ્રકારની દબાણકારી પ્રવૃતિઓમાં અનેક ઘણો વધારો થયો છે પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે વહીવટી તંત્ર જાણે મૌન ધારણ કરીને બેઠું છે જેનો ભરપૂર લાભ દબાણકારો લઇ રહ્યા છે. આવું જ દબાણ અંજારની યમુનાપાર્ક સોસાયટી-2 મધ્યે જાહેરમાર્ગની ખુલી જમીન પર કરવામાં આવ્યું છે, જેમાં ગેરકાયદેસર રીતે ફેન્સિંગ કરી પચાવી પાડવાની કવાયત હાથ ધરી છે. મળતી વિગતો મુજબ યમુનાપાર્ક-2 સોસાયટી આવેલ પ્લોટ નાં. 100 સામે 18 મીટરની પહોળાઇ ધરાવતા સાર્વજનિક માર્ગને એક અસામાજિક તત્વએ એક બાજુથી ફેન્સિંગ તારની દીવાલ બનાવીને સોસાયટીના આંતરિક રસ્તા પર કબ્જો જમાવ્યો છે, આ બાબતે સોસાયટીના જ એક જાગૃત રહીશે અંજારની સુધરાઇ કચેરી, મામતલદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે સાર્વજનિક માર્ગ પર કરવામાં આવેલ દબાણને દૂર કરવા લેખિત અરજી કરેલ છે, પરંતુ દબાણો સામે કાર્યવાહીની બાબતે વહીવટી તંત્ર જાણે ગંભીરતા ચૂકી રહ્યું હોય તેમ હજુ સુધી આ બાબતે કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. દરમ્યાન શહેરના એક જાગૃત નાગરિકે કલેક્ટરને પત્ર લખી સિટી સર્વેને 660થી 665 અને 666/અ સુધી અલગ અલગ સાત મિલકતો નગરપાલિકાની હદની અને કોઇની વ્યક્તિગત માલિકીની જમીન દબાવી લેવાઇ છે. અંદાજે 50 કરોડથી વધુની આ જમીનો મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ નિખિલ પલણ દ્વારા વારંવાર પત્રવ્યવહાર દ્વારા કરાઇ છે પણ દાદ મળતી નથી તેવો આક્ષેપ છે. સામાન્ય રીતે વહીવટી તંત્ર દ્વારા નાના-મોટા દબાણો જ દૂર કરીને સંતોષ માની લેવામાં આવે છે પરંતુ માથાભારે અને રાજકીય વગ ધરાવતા તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણોને હટાવવા માટે જેવી નક્કર કામગીરી હોવી જોઇએ તેની ઉણપ હજુય વર્તાઇ રહી હોવાનો આક્ષેપ છે. અંજાર વિભાગના પ્રાંત અધિકારીએ ગાંધીધામમાં આવેલ અનેક ગેરકાયદેસર દબાણો કરનાર અસામાજિક તત્વો સામે લાલઆંખ કરીને ગાંધીધામની અનેક સરકારી અને ખુલી જમીનોને દબાણ મુક્ત કરવાની કડક કામગીરી આદરી છે આ પ્રકારની નક્કર કામગીરી અંજારમાં પણ કરાય તો શહેરની અનેક જમીનો દબાણ મુક્ત કરી શકાય તેવી જાગૃતોની માંગ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer