કોરોના પછી કચ્છમાં એસ.ટી.ની લંગડાતી સેવા

કોરોના પછી કચ્છમાં એસ.ટી.ની લંગડાતી સેવા
જિજ્ઞેશ આચાર્ય દ્વારા - ગઢશીશા (તા. માંડવી), તા. 24 : કોરોના બાદ એસ.ટી. બસની સેવા લંગડાતી ચાલી રહી હોવાની ઠેર ઠેરથી બૂમ ઊઠી રહી છે. તે વચ્ચે શાળાઓ ખૂલતાં ગ્રામ્ય છાત્રો પાસ કઢાવવા લાંબી કતારોમાં ઊભીને પરેશાન થઇ રહ્યા છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા છાત્રાઓ પોતાના ગામથી અન્ય ગામમાં અભ્યાસ માટે જઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂા. પાંચમાં એક માસ એસ.ટી. પાસની સુવિધા અપાય છે પણ એસ.ટી. બસ ક્યાં તેવા સવાલ ગ્રામ્ય વિસ્તારમાંથી ઊઠી રહ્યા છે. બસ પાસ કઢાવવા માટેની પ્રક્રિયા પણ થોડી જટિલ છે જેને સરળ બનાવવા માંગ ઊઠી છે.તો ખાનગી વાહનોને જાણે પ્રોત્સાહન અપાતું હોય તેમ અનેક રૂટો રાતોરાત બંધ કરી દેવાય છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે.માંડવી તાલુકાના ગઢશીશાને અબડાસા, મુંદરા, અંજાર, ગાંધીધામને જોડતી એક પણ એસ.ટી. બસ નથી. તો ભુજ-માંડવી સાથે એટલા વ્યવહાર છે કે તેના માટે પણ ઇન્ટરસિટી બસ જરૂરી છે. જેથી દરરોજ નોકરી-વ્યવસાય માટે આવ-જાવ કરતા મુસાફરો તથા છાત્રોને પણ સરળતા રહે.ગઢશીશામાં એક કચ્છ બહારની એવી બસ આવે છે જે ગામ બહાર જ ઊભે છે. ગામમાં આવી જ નથી. આનું કારણ શું ? તેવો સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.સવારના ભાગમાં માત્ર ગઢશીશાના જ 40 જેટલા છાત્રો ભુજ જાય છે. જેના માટે એક બસ સવારના 6 વાગ્યે તથા વળતે 12 વાગ્યે એક બસ સીધી હોવી જોઇએ. ઉપરાંત વચ્ચેના ગામડા રાજપર, વિરાણી, લુડવા, દરશડી, મમાયમોરા, રામપર વેકરાના છાત્રો-મુસાફરો માટે અલાયદી બસ સુવિધા જરૂરી હોવાની અગ્રણીઓએ જણાવ્યું હતું.- નવા સ્ટાફને `ભોમિયા'ની જરૂર : હાલમાં એસ.ટી.માં નવા કંડક્ટર-ડ્રાઇવરની ભરતી કરાઇ છે, જેમાં મોટાભાગનો સ્ટાફ કચ્છ બહારનો હોવાથી કચ્છના અંતરિયાળ ગામોના રસ્તા જોયા નથી. જેના કારણે `ભોમિયા'ની ભૂમિકા કોણ ભજવશે ? તેવા પ્રશ્ન ઊઠયા છે. - એસ.ટી. સલાહકાર સમિતિ ક્યાં ? : અહીં તંત્ર દ્વારા એસ.ટી. તથા લોકો વચ્ચે સેતુ સધાય તે માટે સમિતિ હોય છે, આ સમિતિએ કચ્છના જટિલ પ્રશ્નોના નિરાકરણ માટે અંગત રસ લઈ વિસ્તાર મુજબ જરૂરી એસ.ટી. બસો દોડાવવા અને લોકો તથા તંત્ર હિત જોવું જરૂરી બન્યું છે. અમુક રૂટો તો એવા પણ છે કે જેમાં માત્ર ડ્રાઈવરને કંડકટરની ભૂમિકા ભજવવી પડે છે તો ડેપોમાં પૂછપરછ માટે ટેલિફોન પણ નથી ઉપડતા.  આવા અનેક પ્રશ્નો એસ.ટી. તંત્ર થકી લોકોને સતાવી રહ્યા છે. - ગઢશીશાના બંધ થયેલા મહત્વના રૂટો  : ગઢશીશામાં ભૂતકાળમાં આવતી મહત્વની બસોના રૂટો બંધ કરી દેવાયા છે જેમાં, સરલી-નખત્રાણા વાયા ગઢશીશા, નખત્રાણા-માંડવી વાયા વિથોણ-ગઢશીશા, મુન્દ્રા-ઝુમારા વાયા ગઢશીશા-નખત્રાણા, માંડવી-નખત્રાણા વાયા બેરૂ-મોથાળા-ગઢશીશા, તેમજ ડુમરા-ગાંધીધામ, ગાંધીધામ-માંડવી, ભુજ-બાડા, ભુજ-નલીયા, ......-માંડવી વાયા ગઢશીશા, શેરડી, મોટી ભાડઈ, આશરાણી-માંડવી વાયા ગઢશીશા, શેરડી, મોટી ભાડઈ અને માંડવી-અમદાવાદ વાયા ગઢશીશા બસની સેવા ભૂતકાળ બની ગઈ છે.  - મુંદરા સ્ટાફ ઘટ પ્રશ્ને રજૂઆત થશે : મુંદરાથી પ્રતિનિધિના અહેવાલ મુજબ તાલુકાના ગામડામાંથી મુંદરા ભણવા આવતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમે ચાર કલાકથી લાઈનમાં ગોઠવાયા છીએ, હજી પણ પાસ નથી નીકળ્યા, આ અંગે આસીસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેકટર રાજુભાઈ યાદવે જણાવ્યું હતું કે સ્ટાફની તંગી છે, અત્યારે ડેપોમાં કલાર્ક નથી, ટીસી એક જ છે. જુનીયર આસિસ્ટન્ટ નથી. કાયદેસર કેશિયર નથી. વર્કશોપમાં ચોકીદાર નથી. ડેટા ઓપરેટર નથી. 26 કન્ડકટરની ઘટ છે. આવી ઘટના કારણે ડીસી વાય. કે પટેલને રજૂઆત કરી છે. આજ દિવસ સુધી કોઈ ઘટ પૂરવામાં નથી આવી. જો કે, પાસ માટે હજી શરૂઆત થઈ છે એટલે પરિસ્થિતિ થાળે પડતાં થોડો સમય લાગશે. મુંદરા શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ ઠકકરે જણાવ્યું કે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer