નબળી કામગીરી સબબ 27 બી.એલ.ઓ.ને નોટિસ

નબળી કામગીરી સબબ 27 બી.એલ.ઓ.ને નોટિસ
નલિયા (અબડાસા), તા. 24 : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 હેઠળ નીમાયેલા બી.એલ.ઓ. દ્વારા નબળી કામગીરી કરવામાં આવતાં  તાલુકાના 27 જેટલા બી.એલ.ઓ.ને મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી અબડાસા પ્રવીણસિંહ જેતાવત દ્વારા કારણદર્શક નોટિસ આપી એક દિવસમાં રૂબરૂ ખુલાસો કરવા જણાવાતાં આળસુ બી.એલ.ઓ.માં ફફડાટ ફેલાયો છે, જેને પગલે 27 બી.એલ.ઓ.એ રૂબરૂ નલિયા અવી પોતાનો બચાવ રજૂ કર્યો હતો.નોટિસમાં જણાવ્યા મુજબ રાજ્યમાં મુખ્ય નિર્વાચિન અધિકારી ગાંધીનગરના તા. 26/8/21વાળા પત્રથી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 નક્કી કરાયો હતો. જે અંતર્ગત 1 અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં. 1થી 379માં મતદારયાદીની કામગીરી વ્યવસ્થિત કરવા બી.એલ.ઓ.ની  નિમણૂક કરાઇ હતી. જે અંતર્ગત બી.એલ.ઓ.ને તા. 14/11/21ના સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન મથક પર હાજર રહી યાદીમાં નવા મતદારોની નોંધણી, સુધારા, નામ કમી કરવા માટે ફોર્મ સ્વીકારવાના હતા, પણ એ દિવસની ઝુંબેશ દરમ્યાન કોઇપણ ફોર્મ્સ સ્વીકારાયા નથી અને માહિતી નીલ બતાવાઇ છે, પણ બી.એલ.ઓ. દ્વારા કોઇ પ્રચાર, પ્રસાર કે ફોર્મ મેળવવા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. જેથી આ રાષ્ટ્રીય કામગીરી પ્રત્યેની બેદરકારી સ્પષ્ટ જણાય છે. ચૂંટણીપંચની સૂચના મુજબ 18-19 વયજૂથ, 20-29 વયજૂથમાં સમાવિષ્ટ નાગરિકોના વધુમાં વધુ ફોર્મ મેળવવા અગાઉથી જ સૂચના અપાયેલ હોવા છતાં બી.એલ.ઓ.ના તાબા હેઠળના મથકોમાં આ કામગીરી સુચારૂરૂપે થઇ ન હોવાનું નોટિસમાં જણાવાયું છે, જે સંદર્ભે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પબ્લિક એકટ 1950ની કલમ 13 સીસી મુજબ પ્રતિનિયુક્તથી ચૂંટણી ફરજ પરના કર્મચારી હોવા છતાં જે સંદર્ભે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પબ્લિક એક્ટ 1950ની કલમ 32 મુજબ શિક્ષાત્મક પગલાં માટે જિલ્લા કલેક્ટરને હેવાલ મોકલવા માટે બી.એલ.ઓ.ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer