ભુજનાં ભૂમિ કોમ્પ્લેકસમાં આગથી ભારે અફરાતફરી

ભુજનાં ભૂમિ કોમ્પ્લેકસમાં આગથી ભારે અફરાતફરી
ભુજ, તા. 24 : શહેરનાં રિલાયન્સ સર્કલ નજીક ભૂમિ કોમ્પ્લેક્સમાં બપોરના ભાગે કોઈ કારણોસર ગોદામ તથા હોટેલમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ ખડો થયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસ અન્ય દુકાનધારકોમાં પણ ભયની લાગણી ફેલાઈ હતી.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજનાં રિલાયન્સ સર્કલ નજીક આવેલાં ભૂમિ કોમ્પ્લેકસમાં લઝિઝ પિત્ઝા હોટલના રસોડાંમાં કોઈ કારણોસર આગ લાગતાં આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો. બપોરે 2.4પ વાગ્યા આસપાસ લાગેલી આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. વધતી જતી આગને પગલે આસપાસના અન્ય દુકાનધારકો પણ ચિંતાતુર બન્યા હતા. બનાવ અંગે ભુજ સુધરાઈની ફાયર શાખામાં જાણ કરાતાં ચાર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈ આગ ઓલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કાબૂમાં આવેલી આગને પગલે હોટેલમાં મોટી નુકસાનીની શક્યતા વ્યકત થઈ રહી છે.બનાવને પગલે સુધરાઈ  અધ્યક્ષ ઘનશ્યામ ઠક્કર તેમજ સેનિટેશન શાખાના ચેરમેન કમલ ગઢવી પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. શ્રી ઠક્કરે જણાવ્યું કે, એક જાગૃત નાગરિકનો ફોન આવતાં તત્કાળ ફાયરની ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. વળી, આગમાં બે ગેસની બોટલ ધડાકાભેર ફાટી હતી. ઉપરાંત, નજીકની અન્ય દુકાન-હોટેલમાં ગેસની બોટલ હોવાની શક્યતાને પગલે ચાર ટીમને કામે લગાડી આગને વધતાં અટકાવી હોવાનું ઉમેર્યું હતું. સ્થળ પર મામલતદાર, નાયબ મામલતદારે પણ પહોંચી આવી માર્ગદર્શન આપ્યું હતું. ફાયર શાખાના સચિન પરમાર, સુનિલ રબારી, રક્ષિત ઢોલારિયા, નરેશ લોહરા, મામદ જત, પ્રદીપ ચાવડા, જય ભાટી, પીયૂષ સોલંકી, યશપાલસિંહ વાઘેલા, કેતન પ્રજાપતિ, કમલેશ મતિયા વિ.એ ભારે જહેમતે આગને કાબૂ કરી હતી.ધુમાડાના ગોટેગોટા નિહાળી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. 

© 2022 Saurashtra Trust