વાંઢિયા પાસે કંપનીમાં આગ : છ જણને ઇજા

વાંઢિયા પાસે કંપનીમાં આગ : છ જણને ઇજા
ગાંધીધામ, તા. 24 : ભચાઉ તાલુકાનાં વાંઢિયા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં આગ ભભૂકી ઊઠી હતી. આગના આ બનાવથી 1 યુવાન દાઝી ગયો હતો તો અન્ય પાંચને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ, આદિપુરના 1 એ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કંપનીના વાડામાં આગ લાગી હતી. અહીં રહેણાંક વિસ્તાર હોવાથી આગના બનાવને કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા.વાંઢિયા ગામની સીમમાં  આવેલી કમલા ઓર્ગેનિક નામની કંપનીમાં આજે સવારે આગ લાગી હતી.  સાબુ વગેરે વસ્તુઓ બનાવતી આ કંપનીમાં ઓઇલનાં  બેરલ વગેરે સામાન પડયો હતો. ઓઇલ ભરેલાં બેરલો ઉપર શોર્ટ સર્કિટને લઇને તણખા પડતાં ભડકો થયો હતો. આ આગે થોડીજ ક્ષણોમાં જબ્બર પકડ જમાવી લીધી હતી.સવારના ભાગે કામદારો કામે આવ્યા જ હતા અને આ બનાવ બનતાં કામદારોમાં દોડધામ થઇ પડી હતી. ઓઇલ ભરેલાં બેરલ ધડાકા સાથે ફૂટવા લાગ્યાં હતાં. આ કડકડતું ઓઇલ કામદારો ઉપર પડતાં તે દાઝી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવમાં  મિત રોહિત ગરેડા (ઉ.વ.23) નામનો યુવાન ગંભીર દાઝી ગયો હતો તેમજ  મયૂર રુઘનાથ પટેલ, યોગેશ મનસુખ સગર, પ્રકાશ રમેશચંદ્ર, બાબુલાલ રામચરણ તથા જયપ્રકાશ  યાદવ નામના કામદારોને  પણ ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. આગના બનાવની જાણ થતાં અગ્નિશમન દળે અહીં દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.બીજી બાજુ, આદિપુરના 1-એ નજીક જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ?વિસ્તારમાં આવેલી વિદ્યુત ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીના પાછળના ભાગે આવેલા વાડામાં આજે બપોરે આગ ભભૂકી ઊઠી હતી. આગના ગોટેગોટા આકાશમાં દેખાતાં આસપાસના રહેણાંક વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાયા હતા. આ વાડામાં રહેલાં ઓઇલ, વાયર વગેરેમાં  આગ લાગી હતી. આગના આ બનાવથી ગાંધીધામ, અંજાર પાલિકા, વેલસ્પન, ટિમ્બર, ડીપીટીનાં અગ્નિશમન દળની ટીમો દોડી આવી હતી અને પાણી તથા ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ ન થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ આગ કેવી રીતે લાગી હતી તે હજુ બહાર આવ્યું નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer