જંગીની સરકારી શાળામાંથી સીસીટીવી કેમેરાની તસ્કરી

ગાંધીધામ, તા. 24 : ભચાઉ તાલુકાના જંગી ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળાના તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. આ તત્ત્વોએ શાળામાંથી રૂા. 10,500ના 7 સી.સી.ટી.વી. કેમેરાની ચોરી કરી હતી તેમજ પાઠય પુસ્તકોને નુકસાન પહોંચાડયું હતું.કોરોનાકાળ બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ ધીમે ધીમે શાળાએ આવવા લાગ્યા હતા. થોડા મહિનાઓના અભ્યાસ બાદ દિવાળી વેકેશન આવી ગયું હતું અને ફરી પાછી શાળાઓ 21 દિવસ માટે બંધ રહી હતી. આ વેકેશન પૂર્ણ થયું છે, પરંતુ વિદ્યાર્થીઓ શાળામાં આવે તે પહેલાં તસ્કરો શાળામાં ઘૂસી આવ્યા હતા. જંગી ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં ગત તા. 30/10થી 22/11 દરમ્યાન તસ્કરોએ કળા કરી હતી. આ શાળામાં જુદી-જુદી જગ્યાએ 16 સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા હતા. જે શાળા બંધ થવાના 10 દિવસ પહેલાં બંધ થઈ ગયા હતા અને કોઈ કારણોસર ચાલુ થઈ શક્યા નહોતા.પોલીસે જણાવ્યું હતું કે, આ બંધ શાળાના મુખ્ય દરવાજા તાળા તોડી તસ્કરો અંદર ગયા હતા પછી તમામ રૂમોના તાળા તોડી નાખ્યા હતા અને કેમેરાઓમાં તોડફોડ પણ કરી હતી. તસ્કરો 9 કેમેરા લઈ ગયા હતા જે પૈકી બે કેમેરા શાળાની પાછળથી મળી આવ્યા હતા. આ તત્ત્વોએ અગ્નિ સુરક્ષાની બોટલમાં રહેલો પાઉડર કાઢી ઢોળી નાખ્યો હતો તથા જે પાઠય પુસ્તકો પડયા હતા તેના પાના ફાડી નાખ્યા હતા. રૂા. 10,500ના 7 કેમેરાની ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer