કચ્છમાં 282 મૃતકના પરિવારોને કોવિડ સહાય ક્યારે ?

ગિરીશ જોશી દ્વારા - ભુજ, તા. 24 : કોવિડ-19માં મૃત્યુ પામેલાને સહાય ચૂકવવામાં રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવતી બેદરકારી સામે કોર્ટ નારાજગી વ્યકત કરે છે, ત્યારે કચ્છની વાત કરીએ તો ખુદ કચ્છનું આરોગ્ય તંત્ર પોતાની અખબારીયાદીમાં 282 મોત સ્વીકારે છે, તો તેઓને સહાય આપવાની કેમ પહેલ કરવામાં આવતી ન હોવા સામે સવાલ ઊઠી રહ્યા છે. કોરોનામાં મરણ પામેલા પ્રત્યે સરકાર સંવેદનશીલ નથી તેવી છેલ્લા કેટલાક દિવસથી ઝાટકણી કાઢવામાં આવી રહી છે. આવા સંજોગોમાં  સરકારે 30 દિવસમાં સહાય ચૂકવી દેવાની ખાતરી આપી છે, પરંતુ હજારો લોકોનાં  મોત થયા છે, છતાં યાદી પ્રમાણે તો અનેક વિસંગતતા હોવાથી સહાય કોને અને ક્યારે મળશે તે સવાલ ખડા થઇ રહ્યા છે. સરકારને સવાલ કરતાં જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, એક બાજુ કોવિડ સારવારની  અલાયદી હોસ્પિટલો શરૂ કરવામાં આવી હતી. જે દર્દી પોઝિટિવ આવે તો એ અલગ કોવિડ વોર્ડમાં સારવાર લે તેવી વ્યવસ્થા હતી અને એ સારવાર દરમ્યાન મૃત્યુ પામે તો તેનું મોત કોરોનાના કારણે થયું છે એવું માનવામાં નથી આવ્યું.રોજ પાના ભરીને મરણનોંધો બીજી લહેરમાં છપાતી હતી, છતાં કચ્છમાં આરોગ્ય તંત્ર 282 મોત થયાનું સ્વીકારે છે. જો 282 મોત છે, તો આવા પરિવારોના બેન્ક ખાતામાં ડાયરેક્ટ ખાતા નંબર મેળવીને સહાય ચૂકવી દેવી જોઇએ તેવું પણ જાગૃત નાગરિકોએ કહ્યું હતું. તો પછી શા માટે ફોર્મ મેળવીને ફોર્મ ભરવા, તેની સાથે જુદા-જુદા આધારો આપવા ? આવું કરવામાં 282 યાદીવાળા પરિવારજનોને મુકિત આપવી જોઇએ તેવી માંગ ઊઠી હતી. આ મુદ્દે જ્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. જનક માઢકને પૂછવામાં આવ્યું તો તેમણે સરકાર પર ઢોળીને કહ્યું કે, સરકારમાંથી સૂચના આવી નથી, જ્યારે સૂચના આવશે અમે સહાય આપી દેશું. જો કે, કચ્છના કાર્યવાહક કલેક્ટર ભવ્ય વર્મા આ વાત સમજી ગયા અને પોતે આ મુદ્દે સંમત છે કે, જે અમારી પાસે યાદી છે એવા 282 લાભાર્થી  પરિવારોને ફોર્મ ભરવામાંથી મુકિત આપી શકાય છે. પરંતુ સહાય કોને આપવી એના માટે બેન્ક ખાતા નંબર લેવા પડશે. માત્ર બેન્ક ખાતાની સરળ વિગતો આવા પરિવારો પાસેથી મેળવીને  ઝડપી સહાયનું ચૂકવણું કરવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ માટે સરકાર પાસેથી પણ અભિપ્રાય મેળવી રહ્યા છીએ એવું શ્રી વર્માએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer