શિણાય ડેમ નર્મદા નીરથી ભરવા અનુરોધ

ગાંધીધામ, તા. 24 : તાલુકાના ઐતિહાસિક શિણાય ડેમને નર્મદાના પેયજળથી ભરવા ગાંધીધામ વિભાગના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભારપૂર્વકની રજૂઆત કરી હતી.ધારાસભ્યએ  મુખ્યમંત્રી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, શિણાય ડેમ 11 કિ.મી.નો  ઘેરાવો?ધરાવે છે. તેનો વિસ્તાર  685 એકરનો છે. તેની ઊંડાઇ 30 ફૂટ જેટલી છે. ભૂતકાળમાં ગાંધીધામ-કંડલા સંકુલને  પીવાના પાણી અર્થે આ ડેમનો ઉપયોગ થતો હતો.1933-34માં કચ્છના મહારાવે ડેમ બાંધ્યો હતો અને 1950થી 1985 સુધી આ ડેમ કંડલા પોર્ટ ટ્રસ્ટ હસ્તક હતો. 1985થી શિણાય ડેમ પાણી પુરવઠા વિભાગ હસ્તક છે. હાલે તાલુકાના  કિડાણા, અંતરજાળ, શિણાય, ભારાપર, અંજાર તાલુકાના મેઘપર કુંભારડી તથા આદિપુર શહેરને  વીડી-નાગલપુરથી 40 ટયુબવેલ મારફતે પાણી પૂરું પડાઇ?રહ્યું છે. ભૂગર્મ જળની ગુણવત્તા ઘટી જતાં પાણીજન્ય રોગોનું પ્રમાણ ઉંચકાયું છે. ઉપરાંત ભૂગર્ભ જળ ઘટતાં ખેત ઉત્પાદનને પણ માઠી અસર પહોંચી છે.જો શિણાય ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવે તો આ વિસ્તારની અંદાજે  2 લાખની  વસતીને ગુણવત્તાયુકત પાણી કાયમી ધોરણે પૂરું પાડી શકાય તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વની એવી ડીપીટીની સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીની યોજના, આસપાસના અન્ય ગામો તુણા, રામપર, નગાવલાડિયા, સંઘડ, માથક, વીરા, તુણા બંદરના ભાવિ વિકાસને પણ ઊભી થનારી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા શિણાય ડેમ આધારિત યોજના ઉપયોગી બની શકે.ઉપરાંત આ જળાશયનો ગાંધીધામ તાલુકાના એક પર્યટનધામ તરીકે પણ ઉપયોગી થઇ શકે. પાળાની પહોળાઇ વધારીને ત્યાં સારો બગીચો, બાળકોના મનોરંજન અર્થે રાઇડ્સ વગેરે વિકસાવવા જેવું સૂચન પણ ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ કરીને શિણાય ડેમ નર્મદાના નીરથી ભરવા ભારપૂર્વકની ભલામણ કરી હતી તેવું એક યાદીમાં જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer