પડાણા સીમની કરોડોની જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

ગાંધીધામ, તા. 24 : તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલી કરોડોની જમીન અંગે એક વર્ષ અગાઉ ડેવલોપર સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જે અંગે ન્યાયાલયમાં  કેસ પેન્ડિંગ છે તેવામાં ફરિયાદીએ  જિલ્લા કલેક્ટર સમક્ષ આ પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધવા અરજી કરી હતી તેમજ ભુજની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ કરોડોની જમીન પ્રકરણમાં આજે 7 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો, જેથી આ ચકચારી પ્રકરણ ફરી એકવાર સપાટી ઉપર આવ્યું હતું. આ પ્રકરણ અંગે મૂળ મુંબઇના હાલે અડાલજ ગાંધીનગર રહેતા  અમૃતલાલ ભાણજી શાહે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીએ ગત 1989માં પડાણામાં જમીન ખરીદી હતી. બાદમાં વર્ષ 2014માં તેને બિનખેતી કરાવી હતી. એકાદ વર્ષ અગાઉ તેમની કરોડોની આ જમીન બારોબાર વેચાઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. પ્રવીણ વેરશી બોરીચા નામના શખ્સે આ ફરિયાદીનું ભળતું નામ ધારણ કરી ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી તેનો સબરજિસ્ટ્રાર કચેરીમાં ખરા તરીકે?ઉપયોગ કર્યો હતો અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ બનાવી તેમાં સહીઓ ફરિયાદીની સહી કરતા અલગ પ્રકારની કરી હતી. આ શખ્સે પોતાના મળતિયા સન્મુખરાવ અપન્નારાવને આ જમીન રૂા. 1,36,71,000માં વેચી મારી હતી અને જે દિવસે બનાવટી દસ્તાવેજ બનાવાયા તે જ દિવસે સન્મુખરાવે અહીંની મહેસાણા અર્બન કો-ઓપરેટિવ  બેન્ક લિમિટેડમાં  ખોટા દસ્તાવેજ રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી લોનનો બોજો નાખવા પ્રયાસ કર્યો હતો. આ શખ્સે બેન્કમાંથી તે જ દિવસે રૂા. 37 કરોડની લોન મંજૂર કરાવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઇ  લોનના દસ્તાવેજ મંજૂર કરાવ્યા હતા.  મહેસાણા અર્બન બેન્ક ગાંધીધામ શાખાના મેનેજરને ફક્ત રૂા. 10 લાખની સત્તા હોવા છતાં તે જ દિવસે તેણે રૂા. 37 કરોડની લોન આ આરોપીને મંજૂર કરી આપી હતી.આ ખોટા દસ્તાવેજમાં એચ.ડી.એફ.સી. બેન્કના જુદા જુદા ચેકથી નાણાકીય વ્યવહાર થયો હોવાનું જણાવાયું હતું, પરંતુ પ્રવીણ અને સન્મુખરાવ વચ્ચે કોઇ નાણાકીય વ્યવહાર થયો નથી.પ્રવીણ બોરીચા પોતે અમૃતલાલ ભાણજી શાહ હોવાની ખોટી ઓળખ ભાવેશ દિનેશ રાઠોડ તથા વીરેન્દ્ર ઉર્ફે વીરુ સુરેશ ધુળિયા (પટેલ)એ આપી હતી. આ પ્રકરણ અંગે ફરિયાદીએ એક વર્ષ અગાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ધરપકડ બાદ ચાર્જશીટ કરાઇ હતી અને અટક કરવાના બાકી તરીકે પરેશ દામજી ગડા, મહેન્દ્ર ખેલશંકર રાજગોર તથા બીજલ જયેશ મહેતાના નામ જણાવાયા હતા.આ પ્રકરણમાં પ્રવીણ વેરશી બોરીચાએ ફરિયાદીનું ખોટું નામ ધારણ કરી ભાવેશ રાઠોડ, વીરેન્દ્ર પટેલ તેની ખોટી ઓળખ આપી સન્મુખરાવે આ જમીન ખરીદી, ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો તેમજ પરેશ ગડા અને મહેન્દ્ર રાજગોરે જમીનની લે-વેચમાં મદદ કરી હતી. બીજલ મહેતાએ  જમીનના ખોટા દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડયૂટીના પૈસા પોતાના ખાતામાંથી આપેલા તથા બેન્કની લોન લેવા માટે પણ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે પોતાના ખાતામાંથી પૈસા આપ્યા હતા અને મુંબઇથી આવેલા શખ્સોને રહેવા માટે હોટેલના પૈસા પણ પોતાના ખાતામાંથી આપ્યા હતા. આ પ્રકરણ અંગે અગાઉ કેસ થયો હતો જે અહીંની કોર્ટમાં પેન્ડિંગ છે.દરમ્યાન આ ફરિયાદીએ જિલ્લા કલેક્ટર સમક્ષ આ સાતેય આરોપીઓ તથા જે નીકળે તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો  નોંધવા રજૂઆત કરી હતી.  જે અંગે જિલ્લા કલેક્ટરે આ અંગે કાર્યવાહી કરવા નિર્ણય લીધો હતો. જે અંગે અહીંની કોર્ટમાં બાદમાં જિલ્લા કોર્ટ ભુજમાં રિવિઝન અરજી દાખલ કરવા જણાવાયું હતું, ત્યાંથી હુકમ થયા બાદ આજે આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ સાતેય શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી.એક વર્ષ બાદ આ પ્રકરણ અંગે વધુ એક ફરિયાદ થતાં આ ચકચારી બનાવ ફરી એકવાર સપાટી ઉપર આવ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer