કમિશન સાથે બાધાના બદલે છુટ્ટા રૂપિયાના સોદામાં માધાપરના યુવકને ધૂતનારા સકંજામાં

ભુજ, તા. 24 : બાધા રૂપિયાના બદલામાં એક ટકા કમિશન સાથે છુટા રૂપિયા આપવાની લાલચ દઇને તાલુકાના માધાપર ગામના જયકુમાર દિનેશભાઇ ઠકકર નામના યુવક સાથે રૂા. સાડા સાત લાખની રોકડ રકમની ઠગાઇ કરાઇ હોવાનો કિસ્સો માનકુવા પોલીસ મથકે નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડયા છે. તેમની પાસેથી 7.50 લાખની રોકડ અને કાર કબજે કરાયા છે. અલબત્ત, સૂત્રધાર આરોપી કેરાનો નૂરમામદ જાકબ સમા હાથમાં આવ્યો નથી.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર વ્યવસ્થિત ઢબે આયોજન કરીને નાણાંકીય ઠગાઇ માટે ઘડાયેલા આ કારસામાં ગઇકાલે ગુનો નોંધાયા બાદ માનકૂવા પોલીસે આજે મસ્કા (માંડવી)ના સુરેશ નાનજી મોતા અને મૂળ ઉત્તરપ્રદેશના હાલે અમદાવાદ રહેતા મુશાહિદખાન ઉર્ફે મુસા અબ્દુલ નબીખાન પઠાન (નબી)ની ધરપકડ કરી છે. મામલાનો સૂત્રધાર તેરાનો નૂરમામદ આજે રાત્રિ સુધી હાથમાં આવ્યો નથી. પકડાયેલા બન્ને જણ પાસેથી રૂા. 7.50 લાખ રોકડા અને 3 લાખ રૂપિયાની મારુતિ સ્વિફટ કબજે કરાયા છે.પરસ્પરના પરિચયમાં આવ્યા બાદ ફરિયાદી અને આરોપી ટોળકી વચ્ચે બાધા રૂપિયા (મોટી નોટો)ના બદલામાં છુટા રૂપિયા (નાની નોટો) એક ટકા કમિશન સાથે આપવાનો વ્યવહાર શરૂ થયો હતો. જેમાં એક તબકકે રૂા. પાંચ લાખ છુટા અને એક ટકા કમિશન  રૂપિયા પાંચ હજાર આપી તા. 18/11ના આપીને તહોમતદારોએ વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી વધુ કમિશન માટે ફરિયાદી જય ઠકકરે રૂા. સાડા સાત લાખ આપ્યા હતા. જે અંતે તેને ગુમાવવાનો વારો આવ્યો હતો. કેસની ફરિયાદમાં લખાવાયા મુજબ સાડા સાત લાખ રૂપિયાના છુટાની બેગમાં માથે માત્ર રૂા. 30 હજારની સાચી નોટો રાખી નીચે કાગળની રીમ રાખી બેગ પધરાવી દેવા સાથે આરોપીઓ નાણાં ઓળવી ગયા હતા. આ ગુનાશોધક કામગીરીમાં માનકૂવાના કાર્યકારી ઇન્સ્પેકટર વાય. પી. જાડેજા સાથે સ્ટાફના વિજય ધાંધર, જયપાલસિંહ જાડેજા, અશોક ડાભી, ભૂપેન્દ્રસિંહ ઝાલા, રૂપા દેસાઇ, મહેશ દેસાઇ વગેરે જોડાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer