ફેસલેસ લાયસન્સ: `નામ બડે ઔર દર્શન ખોટે'' જેવો તાલ

ભુજ, તા. 24 : માર્ગ પર વાહન ચલાવનારા એક મોટા વર્ગની જેની સાથે સીધી નિસબત છે તે આરટીઓમાં લોકોને આવવું જ ન પડે અને તેઓ પોતાના મોબાઈલ કે લેપટોપ જેવાં આધુનિક યાંત્રિક ઉપકરણોના માધ્યમથી પોતાને લગતું કામ નિપટાવી શકે તેવા ઉમદા હેતુ સાથે સરકારે કરેલી 'ફેસલેસ'ની સેવાઓ પૈકી લાયસન્સની ફેસલેસ સેવાઓ અધિકારીઓના વલણને કારણે તેનો હેતુ ખોઈ બેઠી છે અને અરજદારોને રૂબરૂ ધક્કા તો ખાવા જ પડે છે તેવા આરોપ ઉઠી રહયા છે. તંત્રાધિકારીએ આ પાછળ સ્ટાફઘટનું કારણ આપીને હજુ એક સપ્તાહ બાદ સ્થિતિ થાળે પડશે તેવી ખાતરી આપી હતી. અહીંની આરટીઓ કચેરીની ફેસલેસ લાયસન્સ સેવાનો અનુભવ લઈને પરેશાની વેઠનારા વર્ગે ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે ફેસલેસનો અર્થ એ થાય કે વ્યક્તિને કચેરીમાં આવવું ન પડે અને લાયસન્સના નાના-નાના કામ આસાનીથી થઈ જાય પરંતુ અહીંની આરટીઓમાં ફેસલેસના હેતુનો છેદ જ ઊડી જાય છે અને લોકોને કચેરીએ આવવું જ પડે છે.જાણકારો અને એજન્ટ વર્તુળો પાસેથી મળતી જાણકારી અનુસાર ભુજની કચેરીએ છેલ્લા 15 દિવસથી લર્નિંગ, રિન્યૂ કે રિ-ટેસ્ટ જેવા ફેસલેસ કાર્યો થઈ રહ્યા નથી અને બધી કામગીરી ગાંધીધામની કચેરીએથી કરવામાં આવી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.સૂત્રોએ કહ્યું કે આ માટેના જવાબદાર અધિકારીઓ યા તો સમયસર હાજર રહેતા નથી કે પછી તેમની ટેબલ પર હોતા નથી.દરમ્યાન, આરટીઓ સી.ડી. પટેલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ભુજ કચેરીએ અધિકારી વર્ગની સ્ટાફ ઘટને કારણે કામગીરી ગાંધીધામ ખસેડવામાં આવી હતી પરંતુ ગાંધીધામના સંબંધિત અધિકારી સ્વાસ્થ્ય કારણોસર કામગીરી હાથ ધરી ન શકયા ન હતા. તેમણે કહ્યું કે સ્ટાફઘટનો મામલો તેમણે ઉપલી કચેરીના ધ્યાને વારંવાર મૂક્યો છે. શ્રી પટેલે ખાતરી આપી હતી કે એક સપ્તાહની અંદર ફેસલેસ લાયસન્સની કામગીરીની પરેશાની થોડી હળવી બની જશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer