દરિદ્ર કલ્યાણ : વધુ ચાર માસ વિનામૂલ્યે રાશન

આનંદ વ્યાસ દ્વારા -  નવી દિલ્હી, તા. 24 : ભારતના દરિદ્ર નારાયણ સમુદાયના હિતમાં એક મોટો નિર્ણય કરતાં નરેન્દ્ર મોદી સરકારે બુધવારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમયમર્યાદા હજુ ચાર મહિના સુધી લંબાવી હતી. આમ, આ યોજના હેઠળ દેશના 80 કરોડ ગરીબ લોકોને 2022ના માર્ચ મહિના સુધી વિનામૂલ્યે રાશનનો લાભ મળતો રહેશે. પાંચમાં ચરણ હેઠળ ખાદ્યાન્ન પર 53 હજાર કરોડથી વધુની સબસીડી અપાશે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણાના પાંચ દિવસ બાદ આજે ત્રણેય વિવાદાસ્પદ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવ અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાનગી વીજ વિતરણને પણ કેન્દ્રિય  પ્રધાનમંડળ તરફથી મંજુરી મળી ગઈ હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક બાદ સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન આપવાની યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક પરિવારને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે. આગામી વર્ષે થનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને સરકારનો નિર્ણય અસરકારક સાબિત થઈ શકે છે. જો કે સરકાર તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે, આ યોજનાને આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. બાદમાં વિપક્ષી દળો દ્વારા આ મામલે ભારે હંગામો કરવામાં આવ્યો હતો. દેશના ગરીબ વર્ગને હજુ માર્ચ-2022 સુધી રાશન વિનામૂલ્યે મળતું રહેશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે આ અંગે જાણકારી આપી હતી. બીજી તરફ, મોદીના એલાનના પાંચ દિવસ બાદ આજે કેબિનેટની બહાલી મળી જતાં હવે ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાનો પ્રસ્તાવ શિયાળુ સત્ર દરમ્યાન સંસદના બંન્ને ગૃહોમાં પસાર કરાશે.બંન્ને ગૃહોમાં બહુમતીના આધાર પર પસાર થયા પછી કાયદા રાષ્ટ્રપતિ પાસે જશે અને રાષ્ટ્રપતિ તેના પર મહોર લગાવશે.અંતમાં સરકાર આ અંગે જાહેરનામું જારી કરશે એટલે વિધિવત્ રીતે ત્રણેય નવા કૃષિ કાયદા ખતમ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ કાયદા પાછા ખેંચવા સાથે કિસાનોએ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંહેધરી આપતો કાયદો લાવવા સહિતની માંગો કરી છે. બીજી તરફ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ચાર માસ સુધી લંબાવાઈ છે. પાંચમાં ચરણ હેઠળ ખાદ્યાન્ન પર 53,344.52 કરોડ રૂપિયાની સબસિડીનું અનુમાન છે.વિરોધ પક્ષ સરકારને સાણસામાં લેવા માટે સજ્જ થઈ ગયો છે. લોકસભામાં આ ખરડો રજૂ કરવામાં આવે ત્યારે વિપક્ષ, ખેડૂતોના એક વર્ષના આંદોલન માટે વળતર અને તેમની સામેના કેસ પાછા ખેંચવાની માગણી કરી શકે છે. ટેકાના ભાવને કાયદાકીય સંરક્ષણ અંગે પણ વિરોધ પક્ષ સરકાર પર દબાણ આણવા માગે છે. સરકાર વિપક્ષની માગણી અંગે શું પ્રતિક્રિયા દર્શાવે છે એ જોવું રહ્યું. ટેકાના ભાવને કાયદાકીય સંરક્ષણ આપવા અંગે સરકાર પાસે ઉકેલ શોધવા સિવાય પર્યાય નથી. કારણ કે નહીં તો ખેડૂતોનું આંદોલન સમાપ્ત નહીં થાય.કૃષિ કાયદાઓ રદ કરવાની વડાપ્રધાનની જાહેરાત છતાં આંદોલનકારી ખેડૂતો કેન્દ્ર સરકાર સામેના વિરોધ પ્રદર્શનને પાછું ખેંચવાના મૂડમાં નથી અને ટેકાના ભાવ તથા કેસ પાછા ખેંચવા સહિત છ માગણીઓ કેન્દ્ર સરકાર સામે મૂકી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ વડાપ્રધાનને પત્ર લખીને આ મુદ્દે ચર્ચાની માગણી કરી છે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી અંગે લગભગ 40 ખેડૂત સંગઠનો એક વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે.શિયાળુ અધિવેશનમાં 26 નવા ખરડા મંજૂર કરવાનું સરકારનું આયોજન છે, જેમાં ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) ઍક્ટ 2020, ફાર્મર્સ (એમ્પાવર્મેન્ટ ઍન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ અૉફ પ્રાઈસ એશ્યુરન્સ, ફાર્મ સર્વિસ ઍક્ટ, 2020 અને એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, 2020 રદ કરવા માટે રજૂ કરવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer