ટોચના ખેલાડીઓ વિના વિજયકૂચનું લક્ષ્ય

કાનપુર, તા. 24 : કપ્તાન વિરાટ કોહલી અને સ્ટાર રોહિત શર્મા સહિતના બીજા કેટલાક ટોચના ખેલાડીઓની અનુપસ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારથી અહીંનાં ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ મેદાન પર તેનો દબદબો કાયમ રાખવાની કોશિશ કરશે. ટીમ ઇન્ડિયાની આગેવાની અંજિક્ય રહાણે કરશે, જે ખુદ પાછલા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. રહાણેને આ વખતે લગભગ એવી ટીમ મળી છે, જે પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયામાં યાદગાર જીત મેળવી હતી. ભારતનો ઇરાદો કિવીઝનો શ્રેણીમાં 2-0થી સફાયો કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની હારનો હિસાબ ચૂકતે કરવાનો પણ રહેશે. બે ટેસ્ટની આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીની પણ સેવા પ્રાપ્ત થશે નહીં. આથી કેટલાક નવા ખેલાડીઓને ખુદને સાબિત કરવાનો મોકો મળશે.ઉપરાંત, કોચ રાહુલ દ્રવિડ માટે ટેસ્ટ સ્વરૂપ પસંદગીનું છે અને તેમનાં માર્ગદર્શનમાં ભારતીય ટીમ પહેલીવાર ટેસ્ટ શ્રેણીમાં ઉતરશે. એ ન ભૂલવું જોઈએ કે ન્યૂઝીલેન્ડ દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ છે અને વિશ્વ વિજેતા છે. રહાણેની ટીમની નાની ભૂલ પણ ભારે પડી શકે છે. ટી-20 શ્રેણીમાં 0-3થી સફાયો સહન કરનારી વિલિયમ્સનની ટીમ પલટવાર માટે જાણીતી છે. મેચ ગુરુવાર સવારે 9-30થી શરૂ થશે. મેચ પૂર્વે ભારતીય સુકાનીએ સ્પષ્ટ કરી દીધું છે કે શ્રેયસ અય્યરને મોકો મળશે. કોચ રાહુલ દ્રવિડ દ. આફ્રિકા પ્રવાસ પહેલાં કેટલાક ખેલાડીઓને અજમાવવા માગે છે. બેટિંગમાં ફક્ત ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને મયંક અગ્રવાલ જ 10થી વધુ ટેસ્ટ રમ્યા છે. અગ્રવાલ સારો દેખાવ કરશે તો કેએલ રાહુલની વાપસી કઠિન બનશે. તે ઇજાને લીધે શ્રેણીની બહાર થઈ ગયો છે.કપ્તાન રહાણે પાછલી 11 મેચમાં 19 રનની સરેરાશથી જ રન કરી શક્યો છે. ઘરેલુ ધરતી પર જો તે નિષ્ફળ રહેશે તો આગામી આફ્રિકાના પ્રવાસમાંથી તે બહાર થઈ શકે છે.અભ્યાસ સત્ર દરમિયાન પણ રહાણે આત્મવિશ્વાસમાં જોવા મળ્યો ન હતો. આથી બેટિંગનો દારોમદાર ચેતેશ્વર પૂજારાના ખભે રહેશે, જે પાછલાં ત્રણ વર્ષથી સદીથી વંચિત છે, પણ ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે.ઘરેલુ ધરતી પર ફરી એકવાર ઓફ સ્પિનર અશ્વિન હુકમનો એક્કો બનવા કોશિશ કરશે. કોહલીએ પાછલી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે તેને એકપણ ટેસ્ટમાં રમવાનો મોકો આપ્યો ન હતો. ભારતીય સ્પિનરો સામે કિવી કપ્તાન કેન વિલિયમ્સન, ટોમ લાથમ અને હેનરી નિકોલ્સ જેવા મજબૂત બેટધરોની કસોટી નિશ્ચિત છે. ભારત લગભગ અશ્વિન અને રવીન્દ્ર સાથે અક્ષર મળીને કુલ ત્રણ સ્પિનર સાથે ઇલેવનનું સંયોજન કરી શકે છે. ઝડપી બોલર ઉમેશ યાદવની ઇલેવનમાં જગ્યા નિશ્ચિત છે. ઇશાંત અને સિરાઝમાંથી એકને પસંદ કરવાનો રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉધી અને નિલ વેગનાર નવો દડો સંભાળી શકે છે, જ્યારે સ્પિનર તરીકે મિચેલ સેંટનર, એજાઝ પટેલ અને નવા ઓફ સ્પિનર વિલિયમ સોમરવિલેને ઇલેવનમાં તક મળી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer