ત્રણ સિઝન માટે ચેન્નાઇની ચાહત માહી

નવી દિલ્હી, તા. 24 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે લાંબાગાળાથી સુકાની પદ સંભાળતા મહેન્દ્રસિંહ ધોનીને આગામી ત્રણ સિઝન માટે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.બીજી એપ્રિલથી આઇપીએલ-2022નો પ્રારંભ થવાની શક્યતા છે.માહી ઉપરાંત સીએસકે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા તેમજ 2021માં ટીમને વિજેતા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં જાળવી રાખશે.બીસીસીઆઇના નિયમ મુજબ દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી જાળવી રાખવાની છૂટ હોય છે. ચેન્નાઇની મોઇનઅલી માટે ઇંગ્લેન્ડ સાથે પણ ચર્ચા   જારી છે.અલી સહમત નહીં થાય તો ચેન્નાઇ ચોથા ખેલાડી રૂપે મધ્યમ ઝડપી બોલર સેમકરન પર કશળ ઢોળશે. ટીમોએ 30મી નવેમ્બર સુધી આવા ખેલાડીઓની યાદી આપી દેવાની રહેશે અને આગામી મહિને મેગા લીલામી યોજાશે. આગામી વર્ષે 10 ટીમ સાથે આઇપીએલ 2022નો અલગ જ અંદાજ જોવા મળશે. આઇપીએલમાં આ વખતે 10 ટીમ ભાગ લેશે અને કુલ 74 મેચ રમાશે. બીસીસીઆઇનાં સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે 2 એપ્રિલ સંભવિત તારીખ છે જ્યારે આઇપીએલ 2022 ટૂર્નામેન્ટ શરૂ થઈ શકે છે. આઇપીએલ 2022 60 દિવસ કરતા પણ વધુ દિવસ સુધી ચાલશે. જૂનના પહેલા સપ્તાહમાં ફાઇનલ મેચ કરાવવાની વાત થઈ રહી છે. જેની સંભવિત તારીખ 4 કે પ જૂન છે. આ દરમિયાન તમામ ટીમો 14-14 મેચ રમશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer