શ્રેયસ અય્યર ટેસ્ટ ડેબ્યૂ કરશે : કપ્તાન રહાણેની મહોર

કાનપુર, તા. 24 : ભારતીય ટીમના કાર્યવાહક કપ્તાન અજિંકય રહાણેએ સ્પષ્ટ કરી દીધું છે કે શ્રેયસ અય્યર ગુરુવારથી ન્યૂઝીલેન્ડ સામે અહીં શરૂ થતી પહેલી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. મેચની પૂર્વ સંધ્યા પર પત્રકારો સાથે વાત કરતાં રહાણેએ આ સ્પષ્ટતા કરી હતી. જો કે, તેણે એ બતાવ્યું ન હતું કે ટીમ કયા બેટર અને કયા બોલરના સંયોજન સાથે ઊતરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને રિષભ પંતની અનુપસ્થિતિમાં ભારતીય બેટિંગ હરોળ થોડી નબળી લાગી રહી છે, આથી જો વધુ એક બેટધરને ઇલેવનમાં જગ્યા મળશે તો સૂર્યકુમાર યાદવ અને કે.એસ. ભરતમાંથી પણ કોઇ એકને ડેબ્યૂની તક મળી શકે છે. ભારતીય ટીમ હોમ કન્ડિશનમાં પાંચ બેટધર સાથે ઊતરાવનું પસંદ કરે છે. આથી જ તો હનુમા વિહારીને પસંદ ન કરીને આફ્રિકાના પ્રવાસમાં ઇન્ડિયા એ ટીમ સાથે મોકલવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં પ2.18ની સારી સરેરાશથી રન કર્યા છે. તે મુંબઇની ટીમ તરફથી વર્ષોથી મિડલ ઓર્ડરનો સારો દેખાવ કરી રહ્યો છે. ટીમ અગાઉ શુભમન ગિલને મધ્યક્રમમાં અજમાવવા ઇચ્છતી હતી, પણ કે.એલ. રાહુલની ઇજાને લીધે બધા દાવ ઊલટા પડી ગયા છે. આથી હવે ભારતની બેટિંગનો મુખ્ય આધાર અનુભવી પૂજારા અને સુકાની રહાણે પર રહેશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer