સમાજના જરૂરતમંદ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાશે

સમાજના જરૂરતમંદ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાશે
ભુજ, તા. 24 : ભુજ તાલુકાના નાના વરનોરા મધ્યેના ફાર્મ ખાતે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ -હિન્દ સંસ્થાની કારોબારીની મિટીંગ સૈયદ હૈદરશા પીરના અધ્યક્ષસ્થાને મળી હતી. મિટીંગ પૂર્વે સંસ્થા દ્વારા ભુજ મધ્યે આકાર પામનાર શૈક્ષણિક સંકુલ માટેની દાનમાં મળેલ જમીન પર ઉપસ્થિત રહી જમીનનું નિરીક્ષણ કરી શૈક્ષણિક કેમ્પસની સફળતા માટે દુઆ ગુજારાઇ હતી. કારોબારીની શરૂઆત મૌલાના સાલેમામદ દરાડ દ્વારા તિલાવત-એ-કુરઆનથી કરાઇ હતી. પ્રમુખ હાજી મોહમ્મદભાઇ આગરિયાએ ગત મિટીંગના કામો તેમજ સંસ્થા દ્વારા થઇ રહેલ વિવિધ સેવાકીય કાર્યો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ટ્રસ્ટી યુસુફભાઇ સંગારે દેશની ખુશહાલી, એકતા અને અમન ચૈન સાથે સંસ્થા દ્વારા કરાઇ રહેલા માનવતાની ભલાઇના કાર્યો પર પ્રકાશ પાડતાં  જણાવ્યું કે, સંસ્થાના તમામ કાર્યો કોઇપણ જાત, ધર્મ કે નાતના ભેદભાવ વિના આમ જન સમુદાય માટે કરવામાં આવે છે. ડો. ફહીમ લાલાએ દેશ અને સમાજના વિકાસ માટે શિક્ષણની મહત્વતા વિશે પ્રકાશ પાડયો હતો. સંસ્થા દ્વારા દરેક સમુદાય ગરીબ, જરૂરતમંદ બિમાર દર્દીઓ માટે `હેલ્પ લાઇન' શરૂ કરી તેમને મદદરૂપ થવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ભીરંડિયારા-ભુજ તથા નખત્રાણા મધ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવાનું નક્કી કરી આરોગ્ય કેમ્પો અંગેની જવાબદારી કચ્છ આરોગ્ય સમિતિના પ્રમુખ હબીબશા સૈયદને સોંપવામાં આવી હતી. ગુજરાત સાર્વજનિક રીલીફ કમિટીના સહયોગથી જાન્યુ. 2022માં `આંખના મોતિયાનો ઓપરેશન કેમ્પ નખત્રાણા મધ્યે યોજવાનું તેમાં અંજાર મધ્યે હોસ્પિટલ નિર્માણ માટે દાનમાં મળેલ જમીન માટેની કાનૂની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી હોસ્પિટલનું નિર્માણ કાર્ય જલદી શરૂ થઇ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. આવનારા સમયમાં દાંતની સારવાર માટેનું `એમ્બયુલન્સ વેન' દ્વારા ચારથી પાંચ દિવસ માટે કચ્છભરમાં દાંતને લગતી સારવાર માટે તાલુકા કક્ષાએ વ્યવસ્થા કરશે એવું નક્કી કરાયું હતું. સંસ્થા દ્વારા દર વર્ષે યોજવામાં આવતી સમૂહ શાદીનું આયોજન આગામી 27મી ફેબ્રુઆરી-2022ના રોજ અંજાર મધ્યે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની નોંધણીની પ્રક્રિયા તા. 1 ડિસેમ્બરથી શરૂ થઇ 20 જાન્યુ. સુધી ચાલશે.મિટીંગમાં હાજી મોહમ્મદભાઇ આગરિયા, સૈયદ હૈદરશા પીર, યુસુફભાઇ સંગાર, હાજી નૂરમામદ રાયમા, નજીબભાઇ અબ્બાસી, સદીકભાઇ રાયમા, ડો. ફહીમ લાલા, સુલતાન માંજોઠી, સલીમભાઇ રાયમા, મૌલાના અબુદુજાના, મેમણ હનીફભાઇ કડીવાલા, હુશેનભાઇ આઇ. આગરિયા, મૌલાના સાલેમામદ દરાડ, રફીકભાઇ તુર્ક, સુલતાનભાઇ કુંભાર, યુસુફભાઇ આગરિયા હાજર રહ્યા હતા. સંચાલન હબીબશા સૈયદે કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer