કચ્છમાં 3.50 લાખ ઘેટાં-બકરાંને કૃમિનાશક દવાનો ડોઝ અપાયો

કચ્છમાં 3.50 લાખ ઘેટાં-બકરાંને કૃમિનાશક દવાનો ડોઝ અપાયો
ભુજ, તા. 24 : તાજેતરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય, સારવાર-નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 20 હજારથી વધુ પશુઓની વિવિધ સારવાર કરાઈ હતી. તો શાખા દ્વારા ઘેટાં-બકરાંમાં કૃમિનાશક સારવાર તેમજ રસીકરણ અભિયાન હેઠળ 3.50 લાખ ઘેટાં-બકરાંને આવરી લેવામાં આવ્યા હતા.જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં આયોજિત આ પશુ આરોગ્ય કેમ્પમાં પશુઓની સારવાર, ઓપરેશન, જાતીય સારવાર, કૃમિનાશક દવા પીવડાવવી જેવી સેવા પૂરી પાડવામાં આવી હતી. જેમાં 20,680 જેટલા ગાય-ભેંસ, ઘેટાં-બકરાંને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનો 1671 પશુપાલકે લાભ લીધો હતો.આ કેમ્પમાં જિલ્લા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરી, વેટરનરી પોલિ-ક્લિનિક ડીએમએફ યોજના અને સરહદ ડેરીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.આ કેમ્પનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રા હેઠળ કરાયું હતું. આ ઉપરાંત પશુપાલન શાખા દ્વારા પૂર્ણ કરાયેલા અભિયાન અંતર્ગત જિલ્લાના 1.48 લાખ ઘેટાં-બકરાંને પી.પી.આર. રોગ વિરોધી રસી અને 3.50 લાખ ઘેટાં-બકરાંને કૃમિનાશક દવાના ડોઝ પીવડાવાયા હતા.કચ્છના તમામ પશુપાલકોએ બાકી રહેતા ગાય-ભેંસ વર્ગના પશુઓને તાત્કાલિક ઈઅર ટેગિંગ તથા નાની ઉંમરની પાડીઓ-વાછરડીઓને બ્રુસેલ્લોસીસ રોગ વિરોધી રસીકરણ નજીકના પશુ દવાખાનામાં કરાવી લેવા નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કરે જણાવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer