બી.એલ.ઓ.ને વધારાની કામગીરીથી કચવાટ

ભુજ, તા. 24 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અદ્યતન ડેટાવાળી મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં બી.એલ.ઓ તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને શિક્ષણના ભોગે ચાલુ નિશાળે ડોર ટુ ડોર સર્વે કામગીરી સોંપાતાં શિક્ષકોમાં ભારે કચવાટની લાગણી પ્રવર્તી રહી છે. કોરોનાના દોઢ વર્ષ પછી હજી તો શાળાઓ ખૂલી જ હતી ત્યાં ચાલુ શાળાએ કરવાની થતી આ કામગીરીને લીધે શિક્ષકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.ચૂંટણી પંચનો સ્પષ્ટ આદેશ છે કે ત્રણ વર્ષ પછી જે તે બીએલઓને બદલાવી નવાને કામગીરી સોંપવી અને જે તે બી.એલ.ઓ. એ વિસ્તારમાં રહેતા હોય અથવા જે ભાગમાં મતદાર હોય તેની ત્યાં જ નિમણૂક કરવાની હોવા છતાં ગમે તેને ગમે ત્યાં આડેધડ નિમણૂક અપાઈ છે અને ચૂંટણી પંચના આ પત્રને ઘોળીને પી જનારા છેલ્લા આઠ દિવસથી આ વાસ્તવિક આપેલા ટાર્ગેટ પૂર્ણ કરવા દબાણ કરી રહ્યા છે અને આમ કરવામાં નિષ્ફળ જનારને નોટિસ આપી નોકરીને અસર કરતા પગલાં લેવાની તાકીદો, ધમકીઓ અપાઈ રહી છે.આ બાબતે શિક્ષક સમાજ પાસે ધા નાખતાં પ્રાથમિક શિક્ષક સમાજે આવતીકાલે તા.25ના મામલતદાર અને કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરશે. આ ઉપરાંત આ જ દિવસોમાં ઓડિટ, ગુણોત્સવ 2.0 પણ ગોઠવાયેલા હોઇ એક વ્યક્તિ કેટલી કામગીરી કરે તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer