કચ્છમાં અકસ્માત-આપઘાતથી ત્રણ મોત

ગાંધીધામ, તા. 24 : ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ ઉપર મોડવદર પુલીયા પર અજાણ્યા વાહનની હડફેટે ચડતાં સુંદરપુરીના નરેન્દ્ર નામના યુવાનનું મોત થયું હતું. બીજીબાજુ અબડાસાના વરાડિયામાં વર્ષાબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ. 25) નામની યુવાન પરિણીતાએ એસિડ પી લઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ ગાંધીધામના ઇન્દિરાનગરમાં અગાઉ દાઝી જનારા મોહનલાલ રાજેશ્વર શર્મા (ઉ.વ. 22) નામના યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. શહેરની જૂની સુંદરપુરી પીઠડિયા મંડપ સર્વિસ પાછળ રહેતો અને કોર્ટમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરનારો જિગર નીતાબેન પંડયા નામનો યુવાન પોતાના ઘરે હતો. આ યુવાન બપોરે પોતાના ગરે જમવા આવ્યો હતો. તે જમીને બેઠો હતો ત્યારે તેના મામાનો દીકરો નરેન્દ્ર ત્યાં આવ્યો હતો. એક્ટિવા ફસીનો લઇને આવેલા આ નરેન્દ્રએ હાઇવે ઉપર બિરીયાની ખાવા જવાનું કહ્યું હતું. જેથી આ બંને યુવાનો મોપેડ નંબર જી.જે. 12-ડી.પી. 5216 લઇને નીકળ્યા હતા. શરૂઆતમાં 400 કવાર્ટર પછી રેલવે મથક અને પછી ધોરીમાર્ગ ઉપર બિરયાની ખાવા જવાનું આ બંનેએ નક્કી કર્યું હતું. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર મોવડદર પુલિયો ઉતરતાં તેમને અકસ્માત નડયો હતો.સામેથી આવતા કોઇ અજાણ્યા વાહને આ મોપેડને હડફેટમાં લેતાં નરેન્દ્રને માથામાં ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. જ્યારે ફરિયાદી જિગર પંડયાને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત નોતરી નાસી જનારા અજાણ્યા વાહનચાલકને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.અપમૃત્યુનો એક બનાવ વરાડિયા ગામના દરબારગઢમાં બન્યો હતો. સાત મહિના અગાઉ વર્ષાબા ઝાલાના લગ્ન થયા હતા અને છેલ્લા દોઢેક મહિનાથી તે રિસામણે પોતાના માવિત્રે હતી. દરમ્યાન ગઇકાલે સવારે આ યુવાન પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લીધું હતું. આ પરિણીતાને વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન આ પરિણીતાએ ગતરાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવની આગળની તપાસ ડી.વાય.એસ.પી.એ હાથ ધરી છે.વધુ એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામ નજીક ઇન્દિરાનગરમાં બન્યો હતો. અહીં રહેનારા મોહનલાલ શર્મા નામના યુવાને ગત તા. 19/11ના પોતાના ઘરે પોતાના શરીરે કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી જનારા આ યુવાનને પ્રથમ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ તથા વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને દમ તોડી દીધો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer