ઝરપરાના હુમલાના ચકચારી કેસમાં આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા

ભુજ, તા. 24 : મુંદરા તાલુકાના ઝરપરા ગામે ઓગષ્ટ 1998માં જુની અદાવત અન્વયે બનેલા હુમલાના ગંભીર અને ચકચારી કેસમાં  અદાલતે કેસના બે આરોપી પૈકીના રામ કલ્યાણ ગઢવીને  તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 1500ના દંડની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. કેસના બીજા આરોપી  કરમણ રામ ગઢવીનું કેસની સુનાવણી દરમ્યાન મૃત્યુ થતા તેની સામેનો કેસ પડતો મુકાયો હતો. ત્રીજી ઓગષ્ટ 1998ના ઝરપરા ગામે ભોગ બનનારની વાડીના શેઢા ઉપર તેમના ઉપર ધારીયા અને કુહાડી વડે આ ઘાતક હુમલો કરાયો હતો. ભુજના ત્રીજા અધિક સિવિલ જજની અદાલત સમક્ષ આ અંગેનો કેસ ચાલ્યા બાદ સુનાવણીના અંતે આરોપી કલ્યાણ રામ ગઢવીને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 1500ના દંડની શિક્ષા કરતો આ ચુકાદો અપાયો હતો.આ પ્રકરણમાં મુંદરા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ ચાર્જશીટ પછી આરોપીઓએ કેસ ભુજની અદાલતમાં તબદીલ કરાવતા સુનાવણી ત્રીજા અધિક સિવિલ જજ સમક્ષ થઇ હતી. સુનાવણી દરમ્યાન અન્ય આરોપી કરમણ રામ ગઢવીનું મૃત્યુ થતા તેની સામેનો કેસ પડતો મુકાયો હતો. સુનાવણીના અંતે 23 વર્ષ જુના કેસમાં સજા અને દંડ કરતો ચુકાદો અપાયો હતો.આ કેસની સુનાવણીમાં સરકાર વતી  સરકારી વકીલ એ.બી. તડવી તથા ફરિયાદ પક્ષ વતી વરિષ્ઠ ધારાશાત્રી ભરતભાઇ એમ. ધોળકીયા અને દેવેન્દ્રાસિંહ એમ. જાડેજા રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer