નરાના ખૂનકેસમાં ત્રણ આરોપી માટે મુકાયેલી જામીનની અરજી નામંજૂર

ભુજ, તા. 24 : લખપત તાલુકાના નરા ગામે જમીન વિશેની તકરાર અન્વયે બનેલા મુળ પરપ્રાંતિય યુવાન સુખવિન્દરની હત્યાના ચકચારી બનાવમાં ત્રણ આરોપીની જામીન અરજી જિલ્લા અદાલતે નામંજુર કરી હતી.ગત ઓગષ્ટ મહિનામાં બનેલી આ ઘટના વિશે ગુનો નોંધાયા બાદ કેસની ચાર્જશીટ રજુ થયા પછી આરોપીઓ કેલાસિંગ બુલાસિંગ શીખ, તેના પિતા બુલાસિંગ દિલીપાસિંગ રાયશીખ અને લખવીન્દરાસિંગ ત્રિલોકાસિંગ રાયશીખ માટે જામીન અરજી મુકાઇ હતી. ભુજ ખાતે ત્રીજા અધિક સેશન્સ જજ સમક્ષ  થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળવા સાથે આધાર-પુરાવા તપાસી ત્રણેય જણની જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો.આ કેસમાં જમીન વિશેની જુની માથાકુટમાં હુમલો થયો હતો. જેમાં કેસના ફરિયાદી સોહનાસિંગ ઉપરાંત તેમના પિતા રેશમાસિંગ અને મામાના દિકરા સુખવિન્દર અને નાનીને ઇજાઓ થઇ હતી. માથામાં ટામી વાગતા ગંભીર રીતે ઘવાયેલા સુખવિન્દરનું 20 દિવસ કોમામાં રહયા બાદ મૃત્યુ થતા મામલો હત્યામાં પલ્ટાયો હતો. સુનાવણીમાં ઇજાગ્રસ્ત રેશમાસિંગ દ્વારા જામીન સામે વાંધા રજુ કરાયા હતા. તો સરકાર તરફે તપાસનીશ અધિકારીએ સોગંદનામું રજુ કર્યું હતું. ગુનાની ગંભીરતા અને સંજોગો કેન્દ્રમાં રાખીને જામીન નકારતો આ ચુકાદો અપાયો હતો. કેસની સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા ફરિયાદ પક્ષ વતી ભુજના મલ્હાર દર્શકભાઇ બુચ રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer