ભુજ શહેર પેટા વિભાગ-2માં વીજબિલ ભરણા માટે એક જ બારીથી ગ્રાહકોની લાગતી કતારો

ભુજ શહેર પેટા વિભાગ-2માં વીજબિલ ભરણા માટે એક જ બારીથી ગ્રાહકોની લાગતી કતારો
ભુજ, તા. 24 : શહેરમાં વીજ વપરાશકારોમાં વધારો થતાં પી.જી.વી.સી.એલ. દ્વારા સિટી-1 અને 2 વિભાગ પાડવામાં આવ્યા છે, પરંતુ આ ગ્રાહકોને વીજબિલ ભરવા માટે વિભાગ-2માં એક જ બારી હોવાથી ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનો સૂર ઊઠી રહ્યો છે. ભુજ વિસ્તારમાં મોટી સંખ્યામાં વીજગ્રાહક વધવાના કારણે સિટી-1 અને 2 બે વિભાગમાં કચેરી દ્વારા વીજ વપરાશકારોને બિલની બજવણી કરવામાં આવે છે. વીજબિલ ભરવાની સમયમર્યાદા દસેક દિવસ મુકરર કરવામાં આવી છે. આ સમય દરમ્યાન મથકના સ્થળે ચાર કલેક્શન સેન્ટર કાર્યરત છે, જેમાં સિટી-1માં બે બારી તથા ગ્રામ્ય વિસ્તારની એક બારી, જ્યારે સિટી-2ની બે બારી હોવી જોઇએ ત્યાં એક જ બારીએ બિલ સ્વીકારાય છે. જ્યારે બીજી બારી કાર્યરત થયા પછી ઘણા સમયથી બંધ છે તેમજ અન્ય જગ્યાએ સ્વીકારાતા બિલની સુવિધા બંધ થઇ જતાં સિટી-2ના ગ્રાહકો લાંબી લાઇનો લગાવીને સમય અને પેટ્રોલના ખર્ચ ભોગવીને હેરાન થતા જોવા મળે છે. એકબાજુ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વીજળી વપરાશના ભાવ વધે છે, બીજીબાજુ અન્ય મુશ્કેલીનો ભોગ બનતા ગ્રાહકો નારાજગીના સૂર વ્યક્ત કરી રહ્યા છે. ઓનલાઇનની સગવડ હોવા છતાં બધા ગ્રાહકો તેનો લાભ લઇ શકવાની સ્થિતિમાં નથી હોતા, તો કમ સે કમ વધુ એક સિટી-2ની બારી ચાલુ કરીને રાહત આપવા તંત્રે આગળ આવવું  જોઇએ તેવી માગણી કરી રહ્યા છે. અગાઉ એક સમયે ભુજ શહેરમાં ઓછા વીજ વપરાશકારો હતા ત્યારે શહેરની પોસ્ટ ઓફિસ અને સર્વ સેવા સંઘ જેવી સામાજિક સંસ્થાઓ સાથે જીઇબીની ઓફિસમાં ગ્રાહકોના વીજબિલ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હતી. જેનાથી ગ્રાહકો નજીકના સ્થળે પોતાના ઘર વપરાશ કે વ્યવસાય જગ્યાના વીજ વપરાશની રકમ ભરીને સમય અને ખોટા ખર્ચથી બચી શકતા હતા, પરંતુ હવે પી.જી.વી.સી.એલ.ના પરિસરમાં જ વીજબિલ સ્વીકારવાની કામગીરી થતી હોવાથી લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust