કચ્છને થતા અન્યાય સામે જાગૃત થવા હાકલ

કચ્છને થતા અન્યાય સામે જાગૃત થવા હાકલ
ભુજ, તા. 24 : કચ્છના હિત માટે સતત ચિંતિત અને પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે પ્રયત્નશીલ બિનરાજકીય સંગઠન કચ્છ અસ્મિતા મંચનું સ્નેહમિલન  યોજાયું હતું. ગુજરાતના પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહના નેતૃત્વ અને કચ્છના જાહેર જીવનના સામાજિક, રાજકીય અગ્રણીઓ અને કચ્છની ચિંતા સેવતા આગેવાનોની પ્રત્યક્ષ?હાજરી ધરાવતું કચ્છ અસ્મિતા મંચ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદાના નીર, ભુજોડી અને ભચાઉનો ઓવરબ્રિજ, ખાણ ખનિજના પ્રશ્નો, મહેસૂલને લગતા પ્રશ્નો, સિંચાઇને લગતા પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્યને લગતા પ્રશ્નો માટે મંચ ભૂમિકામાં રહ્યું છે અને જિલ્લા, રાજ્ય અને કેન્દ્રસ્તરે સક્રિય રજૂઆત કરતું રહ્યું છે, ત્યારે સ્નેહમિલનમાં  બાબુભાઇએ બે વર્ષના  કોરોનાકાળની ભયાનક સ્થિતિ પછી પૂર્વવત્  થઇ?રહેલા જનજીવન બાબતે આનંદ વ્યકત કર્યો હતો. કચ્છને થઇ રહેલા અન્યાયની વિસ્તૃત છણાવટ કરી હતી અને કચ્છની જનતાને અન્યાય સામે જાગૃત થવા અને જરૂર પડે લડવું પડે તો લડત આપવા તૈયાર રહેવા હાકલ કરી હતી. હિન્દુસ્થાન નિર્માણ દલના  ગુજરાત પ્રદેશ શશિકાંતભાઇ પટેલે  નર્મદા યોજનાના કામોમાં થયેલા વિલંબ માટે સરકારને જવાબદાર  ઠરાવી હતી અને ક્યાંક ને ક્યાંક કચ્છનું નેતૃત્વ નબળું પડયું હોય તેમ જણાવ્યું હતું. તેમજ કચ્છની જનતાની નિક્રિયતાને કારણભૂત જણાવી હતી. તેમણે પૂર્વ સાંસદ ડો. મહિપતરાય મહેતાને યાદ કર્યા હતા. ડો. મહેતા કચ્છ માટે તે સમયના કોંગ્રેસના સુપ્રીમો ઇન્દિરા ગાંધી સામે પણ અવાજ ઉઠાવવામાં પાછીપાની કરતા નહોતા અને કચ્છ માટે સતત લડત આપતા હતા, ત્યારે આજના સત્તાધારી પાર્ટીના સાંસદ અને ધારાસભ્યો પક્ષીય શિસ્તના નામે નબળા પડતા હોય એમ જણાવ્યું હતું. સામાજિક આગેવાનો અમીરઅલી લોઢિયા, ડો. શૈલેશ જોષી, યોગેશ પોકાર, હસન સુમરા, પ્રજ્ઞેશ ચોથાણી, નવીન ચોપડા, હરેશ પુરોહિત, કપિલ મહેતા, ગોરધન પટેલ, રાજેશ ગઢવી, દીપક સુથાર, જયવીરસિંહ જાડેજા, દિનેશભાઇ ગોહીલ, રસનિધિ અંતાણી, ભવરલાલ સુથાર, તારાબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ અનિલ ડાભીએ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer