ડ્રાઈવરોને છૂટા ન કરી, સવારથી સાંજ બેસાડી રખાતાં નારાજગીનો સૂર

ભુજ, તા. 24 : તાજેતરમાં એસ.ટી. નિગમમાં ભરતી પામેલા નવા ડ્રાઈવરોને નિમણૂક પત્ર આપવાની કાર્યવાહી જિલ્લા મથકે હાથ ધરવામાં આવી હતી, પરંતુ બુધવારે અહીંથી છુટા કરવાના થતા અન્ય જિલ્લાના ડ્રાઈવરોને સવારથી સાંજ સુધી બેસાડી રખાતાં ડ્રાઈવરોમાં નારાજગી સાથે અમુક સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી હોવાથી બેસાડી રખાયા હોવાનોયે આક્ષેપ ઊઠી રહ્યો છે.એસ.ટી. વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ  કચ્છભરના જુના ડ્રાઈવરોને છુટા કરવા બુધવારે કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ યેનકેન પ્રકારે જિલ્લા મથક ભુજ અને ભચાઉમાં વિલંબ કરી ડ્રાઇવરોને સવારથી સાંજ સુધી બેસાડી રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.વર્તુળોએ વધુમાં ઉમેર્યું કે, છુટા થતા આવા કર્મચારીઓ પૈકી અમુક સામે વધુ ડીઝલ વપરાશ, ફરજમાં અનિયમિતતા, અવારનવાર ગેરહાજરી જેવી ખાતાકીય ચાલતી કામગીરી મુદ્દે બદલી અટકાવી અગમ્ય કારણોસર દબાણનો પ્રયાસ થઈ રહ્યો હોવાનોયે આક્ષેપ કર્મચારીઓમાંથી ઉઠી રહ્યો છે.બીજીતરફ ડેપો મેનેજરની ગેરહાજરીના કારણે પણ કામગીરી અટકી હોવાનો પણ ગણગણાટ સાંભળવા મળ્યો હતો. દરમ્યાન મોડેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાંથી 80 જેટલા બદલી પાત્ર ડ્રાઇવર પૈકી 20 જેટલા કર્મચારીને અન્ય જિલ્લામાં બદલીના ઓર્ડર કરાયા હતા. દરમ્યાન આ બાબતે વિભાગીય નિયામક યોગેશ પટેલનો સંપર્ક કરતાં ફોન નોરિપ્લાય આવ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer