ગાંધીધામને દિવાળી પર્વે વધુ એક ઓવરબ્રિજની ભેટ

ગાંધીધામને દિવાળી પર્વે વધુ એક ઓવરબ્રિજની ભેટ
ગાંધીધામ, તા. 22 : શહેરના રાજવી ફાટક પાસે ઓવરબ્રિજનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી ગૂંચવાયેલો છે, ત્યારે  તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજ માટે રૂા.59.25 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રિજનાં   ખાતમુહૂર્ત બાદ દિવાળી પહેલાં વધુ એક ઓવરબ્રિજનાં કાર્યની મંજૂરી મળતાં શહેરમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ સંકુલમાં  રાજવી ફાટક પાસેથી મોટી સંખ્યામાં ટ્રેનોની અવરજવરને લઈને વારંવાર ફાટકબંધ થવાનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ મુશ્કેલીને હળવી કરવા રાજ્ય સરકાર અને રેલવે વિભાગે 50-50 ટકાની  ભાગીદારી સાથે આ બ્રિજ બાંધવા નિર્ણય લેવાયો હતો. બાંધકામ સર્વે એજન્સી દ્વારા આ બ્રિજનિર્માણ માટે 60 કરોડના ખર્ચનો અંદાજિતનો અહેવાલ રજૂ કર્યો હતો. દરમ્યાન, આ કામના  ખર્ચની રકમ અંદાજ કરતાં વધુ  થતી હોવાથી વધારાનાં ખર્ચની મંજૂરી  સંદર્ભે  પ્રશ્ન ગૂંચવાયો હતો.રેલવે વિભાગે પોતાના ભાગનું કામ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ સુદ્ધાં ધરી હતી. અબલત્ત, પાલિકાએ રેલ વિભાગને પત્ર લખી  હાલ આ કામ ન કરવા અનુરોધ કરી કાર્ય અટકાવ્યું હતું.ઘોંચમાં મુકાયેલાં આ કામ માટે  તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાય ઓવરબ્રિજ નિર્માણ માટે 59.25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અન્વયે આપવાનીજાહેરાત કરી હતી.ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરી ઉમેર્યું હતું  કે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં  ગાંધીધામને વધુ એક ઓવરબ્રિજની ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે વાહનચાલકો અને આ વિસ્તારના લોકોની મોટી  સમસ્યાનો અંત આવશે.આ બ્રિજનિર્માણ  માટે માર્ગ અને મકાન વિભાગની સર્કલ ઓફિસ કક્ષાએ  ડિઝાઈન તથા એલાઈમેન્ટ સહિતની મંજૂરી મળી ગઈ છે. રેલવે વિભાગે ફાટક  પાસે ડાયવર્ઝન અર્થે વધારાનું  ફાટકનું કામ શરૂ કર્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.રોટરી સર્કલથી ગળપાદર ચાર રસ્તા તરફ જતા માર્ગ  ઉપર નિર્મિત આ બ્રિજનિર્માણમાં સુરક્ષા દળની જમીન કપાતમાં જતી હોવાથી સંપાદનની રકમ ફાળવણી મુદ્દે  પ્રશ્ન ઉદ્ભવવાની શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી. બીજી બાજુ, સુરક્ષા દળના સંબંધિતોએ આ કામમાં તમામ પ્રકારના સહકારની તૈયારી દર્શાવી  હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું.દરમ્યાન, અમારા અમદાવાદના પ્રતિનિધિએ  જણાવ્યું હતું કે ફાટકમુકત  ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધી રાજ્યભરમાં રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજના 30 પ્રોજેકટ માટે રૂા.890 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. નગરપાલિકાઓ   અને  મહાનગરપાલિકાઓ માટે  78-78 કરોડ સાથે કુલ 156 કરોડની રૂપિયાની જોગવાઈ 2021-22નાં વર્ષમાં  કરવામાં આવી  છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer