ભુજની બજારમાં દિવાળીની રોનકથી સારી ઘરાકીની વેપારીઓને આશા

ભુજની બજારમાં દિવાળીની રોનકથી સારી ઘરાકીની વેપારીઓને આશા
હેમંત ચાવડા દ્વારા - ભુજ, તા. 22 : ગત વર્ષે કોરોના મહામારીનાં કારણે લોકડાઉનની પરિસ્થિતિ અને સંક્રમણના ભયનાં કારણે દરેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો હતો, તેમ દુકાનો-બજારો બંધ રહેતાં ધંધા-રોજગાર ભાંગી પડતાં દરેક વેપારીની કફોડી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતાં અને સંક્રમણ ઘટતાં ચાલુ વર્ષે દિવાળી સુધરવાની વેપારીઓને આશા બંધાઈ છે. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં તહેવારોના રાજા ગણાતા દીપોત્સવી પર્વનું અનેરું મહત્ત્વ રહેલું છે. આ તહેવારમાં ગરીબથી માંડી તવંગર પોતાનાં ગજાં મુજબ તેની ઉજવણી કરે છે. દિવાળી નજીક આવતાં શહેરની બજારોમાં રોનક દેખાવા લાગી છે, જેમાં નાની દુકાનથી માંડી મોટા શો રૂમોમાં શહેરો અને ગામડાંની ઘરાકી દેખાઈ રહી છે, જેને જોઈને વેપારીઓને કોરોનાકાળની કસર આ વર્ષે પૂરી થવાની આશા બંધાઈ છે. જો કે, પેટ્રોલ-ડીઝલ સહિતના વધતા જતા ભાવોની અસર તમામ ચીજ-વસ્તુઓ પર પડતાં રેડીમેડ વસ્ત્રો, કાપડ મટિરિયલ, પગરખાં, કટલેરી, ફર્નિચર, હેન્ડલૂમ, ઘરવપરાશ સહિતની વસ્તુઓના ભાવોમાં પાંચથી દસ ટકા જેટલો વધારો ચૂકવવા ગ્રાહકોએ ખિસ્સાં હળવાં કરવાં પડશે.ભુજની બજારમાં કચ્છમિત્રની ટીમે લટાર મારતાં છઠ્ઠીબારી રિંગરોડથી ઘી વાળી શેરી, અનમ રિંગરોડથી ધાટિયા ફળિયા સુધીની દુકાનોમાં કાળઝાળ મોંઘવારી છતાં દિવાળીની હોંશેહોંશે ખરીદી કરતા ગ્રાહકો નજરે પડયા હતા.  - આ વર્ષે અનેરો ઉત્સાહ  : છેલ્લાં દોઢેક વર્ષથી કોરોના મહામારીનાં કારણે એકપણ ઉત્સવ કે લગ્ન જેવા પ્રસંગ ન મનાવી શકેલા ગ્રાહકોમાં દિવાળીનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોવાનું છઠ્ઠીબારી રિંગરોડ પર આવેલી રેડીમેડ વસ્ત્રોની દુકાન વર્જિનના માલિક પ્રદીપભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું.તેમ અમુક તાલુકાને બાદ કરતાં બાકી જગ્યાએ વરસાદ સારો પડી જતાં ગત નવરાત્રિથી જ શહેર તેમજ ગામડાંની ઘરાકી પણ વધુ જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, સિલાઈ કરતાં રેડીમેડમાં જુદી જુદી પેટર્નની વેરાયટી મળતી હોવાથી યુવાનોમાં તૈયાર વસ્ત્રોનો ક્રેઝ વધુ જોવા મળે છે. હાલ યુવાનોમાં ફાટેલી બ્રાન્ડેડ પેન્ટ, સ્વેટ શર્ટ, પેટર્ન શર્ટ, ચેક્સ-પ્લેન શર્ટનું ચલણ વધારે છે. જો કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોની અસર તળે તૈયાર કપડાંમાં પાંચથી દસ ટકા જેટલો વધારો થયો છે. - ઓનલાઈનના બદલે સ્થાનિકેથી ખરીદી વેપારીઓને પ્રોત્સાહનની અપીલ : અનમ રિંગરોડ પર આવેલી પાંજરાપોળ શેરીમાં સ્ટાઇલ ધ ફેશન હબ નામની તૈયાર વસ્ત્રોની દુકાન ધરાવતા ધીરેનભાઈ લાલન જણાવે છે કે, આજની પેઢી તમામ વસ્તુઓ ઓનલાઈન મગાવતી થઈ ગઈ છે. ખરેખર તો કોઈપણ વસ્તુઓ સ્થાનિકેથી ખરીદી વેપારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. ઓનલાઈન વેચાણકર્તાઓને કોઈ જ રોકાણ કરવાનું હોતું નથી તેમ તેઓ કંપનીમાંથી જથ્થાબંધ ખરીદી સીધા ગ્રાહકોને વેચે છે તેમ છતાં તેમનો નફાનો ગાળો વધુ હોય છે.તેમણે જણાવ્યું કે, કોરોના પછી લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો છે અને ભવિષ્યનો વિચાર કરીને ખર્ચ કરતા થયા છે, જ્યાં બે જોડી કપડાં લેતા હતા, તેના બદલે એક જોડીથી ચલાવી રહ્યા છે. જો કે, સરકારે કર્મચારીઓને બોનસ તેમજ વહેલો પગાર આપવાની જાહેરાત કરતાં લોકો ખરીદી કરવા નીકળશે તેવી આશા છે. ઉપરાંત, દિવાળી બાદ લગ્નગાળો આવી રહ્યો છે.શ્રી લાલને જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવો, તો બીજી બાજુ કોલસાની અછત સર્જાતાં વીજળીના ભાવોમાં વધારાથી સુરતની ટેક્સટાઇલ્સ માર્કેટ પર મોટી અસર થઈ છે, જેનાં કારણે આ વખતે યાર્ન મોંઘું થતાં વસ્ત્રોમાં 20 ટકા ભાવ વધારો થયો છે.  - મોંઘવારીથી મોજશોખમાં કાપ : બજારમાં ચહલપહલ જોવા મળતાં દિવાળી સુધરવાની આશા બંધાઈ છે, પરંતુ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધારાનાં કારણે મોજશોખમાં કાપ આવ્યો હોવાનું વાણિયાવાડ સ્થિત આકૃતિ શાટિંગ શર્ટીંગ નામની દુકાનના માલિક હાર્દિકભાઈ બાબરિયાએ જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાનાં કારણે અન્ય રાજ્યના કારીગરો જતા રહેવાથી તેમજ કોલસા સંકટ વચ્ચે ઉત્પાદન ઓછું અને યાર્નમાં તેજીનાં કારણોસર ભાવોમાં ખૂબ જ વધારો થયો છે.- કોરોનાની અસરમાંથી લોકો બહાર આવી રહ્યા છે  : જૈન વંડા, વાણિયાવાડ સ્થિત શાટિંગ-શર્ટીંગ અને તૈયાર વસ્ત્રોની દુકાન ઓપેરાના માલિક ભોગીલાલભાઈએ જણાવ્યું કે, દોઢેક વર્ષથી કોરોનાના ભય વચ્ચે જીવતા લોકો તેની અસરમાંથી બહાર આવી દિવાળીની ખરીદી કરી રહ્યા છે. વર્તમાન મોંઘવારીનાં કારણે આ વર્ષે 10થી 15 ટકા ભાવવધારો છે, પરંતુ ગ્રાહકો સમજતા હોવાથી સ્વીકારી લેશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer