ગાંધીધામ : ધુમાડા ઓકતા ભંગારના વાડા બંધ કરાવવા ફરિયાદ

ગાંધીધામ : ધુમાડા ઓકતા ભંગારના વાડા બંધ કરાવવા ફરિયાદ
ગાંધીધામ, તા. 22 : આ શહેર અને સંકુલની આસપાસ આવેલી ખાનગી કંપનીઓ દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને ધુમાડા કરી વાતાવરણને પ્રદૂષિત કરાય છે. જેના ઉપર તંત્રની કોઈ જ પકડ નથી. બીજી બાજુ આ સંકુલમાં આવેલા ભંગારના અનેક વાડાના સંચાલકો પણ તંત્રની કોઈ પણ પરવાનગી વગર વાયર, પૈડાં, પ્લાસ્ટિક, સલ્ફર જેવા ઝેરીલા પદાર્થો સળગાવીને વાતાવરણમાં રીતસરનું પ્રદૂષણ ફેલાવે છે. આ અંગે સ્થાનિક નગરસેવકો, શાળા, કોલેજ તથા સોસાયટીઓના લોકોએ લેખિત રજૂઆતો કરવા છતાં પણ સરકારી તંત્રો કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા છે. આના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.પંચરંગી અને જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ સંકુલની આસપાસ અને નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. આવી ફેક્ટરીઓ પૈકી અનેક કંપનીઓ  સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને હવામાં રીતસર પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ તંત્રના આંખે પાટા બાંધેલા હોય તેમ સરકારી તંત્રોને આ બધું દેખાતું નથી તેવું લોકોને જણાવી રહ્યા છે. આ સંકુલની અંદર તથા આસપાસ ભંગારના નાના-મોટા વાડા આવેલા છે. જે પૈકી અનેક વાડીઓમાં ચોરીનો માલ સંગ્રહ કરવામાં આવે છે, પરંતુ સમ ખાવા પૂરતું પણ આવા વાડાઓની તપાસ પોલીસ તંત્ર કરતું નથી. જો આવા વાડાઓની નીતિમતાથી અને સઘન તપાસ કરવામાં આવે તો ચોરીના અનેક ભેદ બહાર આવે તેમ છે, પરંતુ દર મહિને પ્રસાદી મળતી હોવાથી તંત્ર આવી કામગીરી કરતું નથી તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આવા વાડાઓમાં આવતા માલને સળગાવી તેમાંથી કામની વસ્તુ લઈ લેવામાં આવે છે, પરંતુ વાયર, પૈડાં, પ્લાસ્ટિક, સલ્ફર વગેરે જેવા માલને સળગાવવાથી  વાતાવરણ પ્રદૂષિત થાય છે અને આસપાસના લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કોઈ પણ પરવાનગી વગર માલ સળગાવી લોકોના જીવને જોખમમાં મૂકનારા તત્ત્વો વિરુદ્ધ કોઈ જ પગલાં લેવાતા નથી. અહીંની નગરપાલિકાના વોર્ડ-3માં આવતા 6 ઈન્ડસ્ટ્રીય (જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં પણ ભંગારના નાના-મોટા વાડા આવેલા છે. આ વિસ્તારમાં સનરાઈઝ સ્કૂલ, ડી.એન.વી. કોલેજ, આંગણવાડીઓ, મંદિર, પીવાના પાણીનો ઓવરહેડ ટાંકો, બાગબગીચા, નવજ્યોત પબ્લિક સ્કૂલ વગેરે શાળાઓ આવેલી છે. ભંગારના વાડાના આ સંચાલકો દ્વારા રાતદિવસ પ્લાસ્ટિક, વાયર, સલ્ફર વગેરે જેવા ધાતુ સળગાવી તેમાંથી માલ કાઢતા હોય છે. જેના ધુમાડા આસપાસના લોકો, વિદ્યાર્થીઓના શ્વાસમાં જાય છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા વગેરે તકલીફો થતી હોય છે. જી.પી.સી.બી.ની પરવાનગી વગર ચાલતી આ પ્રવૃત્તિ બંધ કરાવવા અહીંના સ્થાનિક નગરસેવકો નયનાબેન મહેશ્વરી, કમલ શર્મા, ભરતકુમાર ઠક્કર તથા આંગણવાડીના સંચાલકો, સનરાઈઝ શાળા, 9-એના રહેવાસીઓ, આદર્શનગર વેલ્ફેર સંસ્થાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિતમાં રજૂઆતો કરી છે. તેમ છતાં આ તંત્રની આળસ ઉડતી નથી અને વાડાના સંચાલકો ધુમાડા ઓકી રહ્યા છે. જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.  અંતે કંટાળીને ત્રણેય સ્થાનિક નગરસેવકોએ આ અંગે અંજાર પ્રાંત અધિકારી સમક્ષ સી.આર.પી.સી.ની કલમ 133 હેઠળ ફરિયાદ કરી છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer