અબડાસામાં ખેતપેદાશ ક્ષેત્રે વિકાસના દ્વાર ખૂલશે

અબડાસામાં ખેતપેદાશ ક્ષેત્રે વિકાસના દ્વાર ખૂલશે
ભુજ, તા. 22 : આજે વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં મોથાળા ખાતે માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતોને તેમની વિવિધ પેદાશ દૂર વેચવા ન જવું પડે જેથી પરિવહનના ખર્ચનો વધારે બોજો ન પડે ઉપરાંત ઘર આંગણે જ સારા ભાવ અને બજાર મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડ ખૂબ જ અગત્યતા ધરાવે છે, જે હેતુસર અંદાજિત 35 કરોડના ખર્ચે મોથાળા ખાતે અદ્યતન માર્કેટિંગ યાર્ડનું નિર્માણ પામશે જેનું ડો. નીમાબેનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, આ માર્કેટિંગ યાર્ડનું નિર્માણ થતાં લોકોની આશા અપેક્ષાઓ પરિપૂર્ણ થશે. આ છેવાડાના વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સીમાચિહ્નરૂપ બનશે તેવું કહી આ પ્રોજેકટને ખેડૂતોની સમૃદ્ધિ માટે ખૂબ જ અગત્યનું ગણાવ્યો હતો. ઉપરાંત 100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થવાની ખુશીમાં સૌને શુભેચ્છા આપી હતી. તેમણે અબડાસા ધારાસભ્ય વખતના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, આ સુવિધાસભર માર્કેટિંગ યાર્ડ થકી અબડાસાના વિકાસમાં વધારો થશે. ઉપરાંત વોકલ ફોર લોકલનો ઉલ્લેખ કરી સ્થાનિક લોકો તેમજ ઉદ્યોગોને મહત્ત્વ આપી તેમની પાસેથી જ ખરીદી કરી નૂતન ભારતમાં સહભાગી બનવા લોકોને અપીલ કરી હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અબડાસા માટે ખૂબ જ ખુશીની ઘડી છે. કારણ કે ખેડૂતોની ખાસ જરૂરિયાત આજ પૂરી થવા જઇ રહી છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આ માર્કેટિંગ યાર્ડ થકી ખેડૂતોને વિકાસની વધુ તકો મળશે તો રોજગારીનું પણ સર્જન થશે.  પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ અબડાસાના ખેડૂતો માટે આ માર્કેટિંગ યાર્ડને ટર્નિંગ પોઇન્ટ ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત ભુજ એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. મહારાષ્ટ્રમાં જલક્રાંતિની કામગીરી કરી ચૂકેલા ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના મયંક ગાંધીએ હવે વરસાદી પાણીને રોકવા કચ્છમાં અને ખાસ કરીને અબડાસામાં મોટી ચળવળ શરૂ કરવાનું જણાવી 160 ગામને જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કનકાવતી ડેમ આધારિત ગામોમાં પાણી સંગ્રહ કરવાનું હોવાનું જણાવ્યું હતું. પ્રારંભમાં સ્વાગત કરતા આ માર્કેટ યાર્ડના ડાયરેકટર ગોવિંદભાઇ ભાનુશાળીએ જણાવ્યું હતું  કે, આ ભૂમિ પર યાર્ડ બને તેવી સ્વ. જયંતીભાઇ ભાનુશાળીની ઇચ્છા હતી. તે હવે પૂરી થાય છે. 35 કરોડના ખર્ચે આ ખાનગી યાર્ડ પણ સરકારી ધારાધોરણ પ્રમાણે બને છે. 200 દુકાનોનું નિર્માણ થશે. ખેડૂતોને મોટી તક ઉપરાંત અહીં એક હજાર લોકોને રોજગારી પ્રાપ્ત થશે એમ જણાવ્યું હતું. ડો. નીમાબેન આચાર્ય તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  સ્વાગત પ્રવચન અબડાસા એપીએમસીના ડાયરેકટર નીલેશભાઇ મિરાણીએ કર્યુ હતું, તો આભારવિધિ પરેશભાઇ ભાનુશાળીએ કરી હતી. ડાયરેકટર હર્ષદભાઇ મિરાણી તથા અશોકભાઇ મિરાણી, અરવિંદ ભાનુશાળી, કરણ ભાનુશાળીએ મહેમાનોનું સન્માન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા તથા અગ્રણી મહેશ ભાનુશાળી, હકુમતાસિંહ જાડેજા, પરસોત્તમભાઇ ગોરડિયા, રાજેશ પલણ, દામજીભાઇ ભાનુશાળી, મહંત હરિગર દાદા, ગાવિંદભાઇ પટેલ, લાલજી પટેલ, દિલીપભાઇ, રમીલાબેન, માલતીબેન, શંભુભાઇ ભાનુશાળી, અરાવિંદભાઇ, પંકજભાઇ ઠક્કર, મોથાળા સરપંચ શ્રી શિવજીભાઇ, ઉમરશીભાઇ, ધનસુખ મિરાણી, શંકરભાઇ ભાનુશાળી, વસંતભાઇ ભાનુશાળી, નરેન્દ્રાસિંહ જાડેજા, મહાવીરાસિંહ જાડેજા, જયદીપાસિંહ જાડેજા, અનુભા જાડેજા, કાનજી ગઢવી, વિક્રમાસિંહ જાડેજા, ઉમરાસિંહ ભાટી, જયદેવાસિંહ જાડેજા, સામત ગોરડિયા, રાજુભા જાડેજા, મુકેશ ચૌધરી, જગદીશ ઠક્કર, વેરશી સંજોટ, રમેશભાઇ પટેલ, જટુભા સોઢા તેમજ અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણાસિંહ જૈતાવત, મામલતદાર તેમજ અગ્રણીઓ, ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના બિલ્ડર હિંમત દામા તથા અન્યોએ ડાયરેક્ટર ગોવિંદ ભાનુશાળીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કમલ જોશીએ કર્યું હતું, તો ધાર્મિકવિધિ અલ્પેશ મહારાજે કરાવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer