ડેમ, તળાવો સક્ષમ કરી નર્મદાનાં પાણી કચ્છ પહોંચશે

ડેમ, તળાવો સક્ષમ કરી નર્મદાનાં પાણી કચ્છ પહોંચશે
ભુજ, તા. 22 : તાલુકાનાં સુખપર ખાતે વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષાનું અભિવાદન કરાયું હતું. વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાના અને વિવિધ સમાજો, મંડળો જોડાયાં હતાં. નર્મદા કેનાલ કામગીરી માટે પ્રક્રિયા ચાલુ છે ત્યારે નર્મદાનાં વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીને ભરવા ડેમ અને તળાવો વધુ સક્ષમ કરીએ નર્મદાનાં પાણી નજીકનાં ભવિષ્યમાં કચ્છમાં પહોંચશે એમ પ્રાસંગિક ઉદ્બોધનમાં ડો. નીમાબેને જણાવ્યું હતું. નર્મદા કેનાલ કામગીરી અંગે વિગતે પૂરી પ્રક્રિયા સમજાવતાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકારણ જનસેવાનું ઉત્તમ માધ્યમ છે. જનતાના ટેક્ષમાંથી મળેલા પૈસાથી સરકારનાં વિકાસકામો થાય છે અને તે પૂર્ણ કરાવવાનો અમારો સૌનો પ્રયત્ન હંમેશાં રહે છે. ભૂકંપ બાદ કચ્છનો અકલ્પ્ય વિકાસ વિશ્વનોંધનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની દીર્ઘદૃષ્ટિનાં પગલે આજે સરહદી સીમાડા રોજગારી અને વિકાસથી નોંધનીય બન્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આ તકે સ્થાનિક સ્વરાજયમાં મહિલાઓ માટે 50 ટકા અનામત બેઠકનો ઉલ્લેખ કરતાં સરકારમાં નારીશક્તિનાં અદભુત ઉદાહરણો રજુ કર્યાં હતાં. અગ્રણી ધનજી જિયાણીએ આ તકે અધ્યક્ષા દ્વારા ધારાસભ્ય તરીકે સુખપર ખાતે રૂા. 5 કરોડનાં વિવિધ વિકાસકાર્યો જેવાં પી.એચ.સી., પશુ દવાખાનું, હિંદુ સ્મશાનગૃહ, મંદિરો માટે, રોડ રસ્તાઓ બનાવવા વગેરેની વિગતો રજુ કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, હરિભક્તો, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી ભીમજીભાઇ જોધાણી, હરીશ ભંડેરી, શિવજીભાઇ પાધરા, લાલજીભાઇ રાબડિયા, રતનબેન મેપાણી, જશુબેન ભુવા, ધનજીભાઇ વાઘજિયાણી, માવજીભાઇ વાગડિયા, ગોંવિદભાઇ વાગડિયા, નાનબાઇ ખેતાણી, પુષ્પાબેન ભુવા અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer